કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખે વન વિભાગનું તંત્ર નજીકમાં જ દીપડાને છોડી મૂકતું હોવા અંગે ફરિયાદ કરી
રાણાવાવ નજીક પાઉ સીમ વિસ્તારમાં વધુ એક ગૌધનનો દીપડાએ શિકાર કર્યો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પ્રતાપભાઈ ખીસ્તરીયાએ જણાવ્યું છે કે પાઉ સિમ વિસ્તારમાં વધુ એક ગૌધનનો દીપડાએ શિકાર કર્યો છે ત્યારે વન વિભાગની બેદરકારી સામે આવી રહી છે. રાણાવાવ તાલુકાના શહેરની બાજુમાં જ વાડી વિસ્તારમાં પાઉ સીમમાં ખેડૂતોના ખેતરોમાં વારંવાર જંગલી જાનવરો વન્ય પ્રાણીઓ આવે છે, અને દિપડાઓ મોંઘાપાડા પશુધનનો શિકાર કરે છે ત્યારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી વન વિભાગનું તંત્ર દીપડાને પકડે છે. અને આ દીપડાને અમારા વિસ્તારમાં છોડી મૂકવામાં આવતો હોવાની રાવ પ્રતાપભાઈ ખીસ્તરીયાએ કરી છે. વન વિભાગના તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારોમાં વારંવાર ખેડૂતોના અને પશુપાલકોના અમૂલ્ય પશુધનનો શિકાર થઈ રહ્યો છે. અને રાત્રિના સમયે દરમિયાન વીજળી વારંવાર ગુલ થતી હોવાથી લોકોના જીવના જોખમ વધ્યા છે. જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોને રક્ષણ પૂરું પાડવામાં આવે તેમજ દિવસના ભાગે વીજળી આપવામાં આવે, જેથી ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવાની નોબતમાંથી છુટકારો મળે. માલધારીને નુકસાન થાય ત્યારે તેમનું પૂરું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પ્રતાપભાઈ ખીસતરીયાએ કરી છે.