ઈન્ડોનેશિયાના બાલી પ્રાંતમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે, જેમાંથી સૌથી વધુ સંખ્યામાં ઓસ્ટ્રેલિયન નાગરિકોની છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાલીની લોકપ્રિયતા રશિયનોમાં પણ વધી છે અને આ જ કારણ છે કે આ સુંદર ટાપુ પર આવતા પ્રવાસીઓમાં રશિયાના નાગરિકો બીજા નંબરે પહોંચી ગયા છે. જો કે, રશિયનોની કેટલીક હરકતોને કારણે, બાલીની સરકાર તેમના પર કેટલાક નિયંત્રણો લાદવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં, બાલીમાં કેટલાક રશિયન પ્રવાસીઓએ ગેરવર્તણૂક કરી છે, જે રહેવાસીઓ અને અધિકારીઓને પસંદ આવી નથી.
બાલીમાં આવેલા એક રશિયન ઇન્ફ્લુએન્સરે એક પવિત્ર વૃક્ષ સાથે નગ્ન થઈને ફોટો પડાવ્યા હતા અને આ ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. બાલીના ગવર્નર વેઈન કોસ્ટરે કહ્યું કે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે રશિયા અને યૂક્રેનના લોકોને ‘વિઝા ઓન અરાઈવલ’ ન આપે. બાલી પ્રવાસીઓ પર કડક દેખરેખ રાખવા અને મોટરબાઈક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું પણ વિચારી રહ્યું છે. કોસ્ટરે કહ્યું કે રશિયા અને યૂક્રેનના નાગરિકો યુદ્ધથી બચવા માટે જ બાલી નથી આવ્યા, પરંતુ તેઓ અહીં કામ પણ શોધી રહ્યા છે.
બાલીમાં એક લક્ઝરી શો બ્રાન્ડના સ્થાપક નીલુ જેલન્ટિકે કહ્યું કે અમે ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું, પરંતુ તેઓએ અમારી ભલમાણસાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. કોસ્ટરે કહ્યું કે આ બંને દેશોના નાગરિકો આર્થિક ગુનાઓમાં સંડોવાયેલા છે, અને જ્યારે પણ અમને કોઈ પ્રવાસી દ્વારા ગેરવર્તણૂંક કરવાના અહેવાલો મળે છે, ત્યારે તે સામાન્ય રીતે રશિયન નાગરિક હોવાનું બહાર આવે છે. તેમણે કહ્યું કે કેટલાક વિદેશીઓ માને છે કે તેઓ કાયદાથી ઉપર છે, અને હવે અમે આ બધું બંધ કરવાના છીએ. સરકારી આંકડાઓ અનુસાર, જાન્યુઆરીમાં 22,500 રશિયનો અને 2,500 યૂક્રેનિયનો બાલી પહોંચ્યા હતા.
રશિયા અને યૂક્રેન તરફથી નિવેદન
ઈન્ડોનેશિયાના ‘વિઝા ઓન અરાઈવલ’ પ્રોગ્રામ હેઠળ, 80 દેશોના પ્રવાસીઓ 30 દિવસ સુધી દેશની મુલાકાત લઈ શકે છે અને આ માટે તેમણે માત્ર $50 ચૂકવવા પડશે. આ મામલે રશિયા અને યૂક્રેનના દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના નાગરિકોને દેશના કાયદાનું પાલન કરવા માટે કહી રહ્યા છે. જ્યારે રશિયન રાજદૂત લ્યુડમિલા વોરોબાયવાએ કહ્યું કે દરેક દેશમાં કેટલાક કાયદા તોડનારા હોય છે અને આપણે તેમના પર વધુ ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ, યૂક્રેનિયન દૂતાવાસના એક અધિકારીએ કહ્યું કે તેમના નાગરિકો બાલીમાં કાયદો તોડવા માંગતા નથી.