ગુજરાત સરકારના આઇ.સી.ડી.એસ. વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી પોષણ પખવાડાની ઉજવણી અંતર્ગત ઉપલેટા, જસદણ, ધોરાજી, ખરેડા, શિવરાજગઢ, પાળ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંગણવાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. ઉપલેટા તાલુકાના પાનેલી ગામની આંગણવાડી ખાતે મિલેટ સંબંધિત પ્રશ્ર્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટમાંથી મળતા વિટામીન અને પોષણ અંગેની જાગૃતિ લાવવા માટે કિશોરી મીટિંગ યોજી ૨૫ માર્ચના રોજ સગર્ભા, ધાત્રી બહેનોને પણ આરોગ્ય પોષણ અને મિલેટમાંથી બનતી વાનગીની સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડા દરમિયાન ગત તા. ૨૪ના રોજ વિસ્તારોની આંગણવાડીમાં મીલેટસ સંબંધિત પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગત તા. ૨૫ના રોજ બેઠકમાં સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહારના લાભો સમજાવવામાં આવ્યા હતા. તેમજ ગત તા. ૨૬ના રોજ આંગણવાડી કાર્યકર દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ જનતાને મિલેટસમાંથી મળતા પોષણ અને વિટામિન વિષે સમજ આપવામાં આવી હતી. આમ, પોષણ પખવાડા દરમિયાન મિલેટ (શ્રીધાન્ય)ના પોષક લાભો વિષે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ૨૦ માર્ચથી પોષણ પખવાડા કાર્યક્રમના શુભારંભ બાદ દરેક દિવસની થીમ આધારિત ઉજવણી કરી કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર અને વર્ષ મિલેટ વર્ષ સંદર્ભે મિલેટસથી થતાં લાભો વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે, તેમ સી.ડી.પી.ઓ.ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

