અરવલ્લી જિલ્લામાં હાલમાં જ માવઠાએ તારાજી સર્જી હતી અને ખેડૂતોના ઘઉં, વરિયાળી, મકાઈ, તરબૂચ અને બટાકા સહિતના પાકોને નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતોને હવે વીજ વિભાગની ક્યાંક બેદરકારીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધનસુરા તાલુકાના શીકા ગામે ખેડૂતોના ઘઉં બળીને ખાક થઈ જતાં ખેડૂતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ધનસુરાના શીકાકંપામાં વીજતારના તણખાંથી ઘઉં બળીને ખાખ થઇ ગયા હતા. અગાઉ ખેડૂત દ્વારા ધનસુરા વીજ કંપનીમાં તા. 30-01-2023 રોજ લેખિત અરજી પણ કરી હતી તેમાં ખેડૂતે જણાવ્યું હતું કે અમારી ખેતી લાયક જમીન જેનું સર્વે નંબર 450 માં વીજ કંપનીના પોલ આવેલ છે અને તેમાં અવાર નવાર તણખાં ઝરતાં હોઈ તે લઈને સેઢા પર ખસેડવામાં આવે નહીં તો તેમાં રિપેરીંગ કરવામાં આવે તેમ છતાં વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરતાં ખેડૂત પર પડતાં પર પાટુ પડ્યું હોય તેમ એક બાજુ માવઠાનાં કારણે ખેડૂતોનો ઉભો પાક બગડી રહ્યો છે અને બીજી બાજુ વીજ કંપનીની બેદરકારીના કારણે ઉભો પાક બળી ને ખાખ થઈ ગયો હતો. ખેતરમાં આગ લાગવાના કારણે વીજ કંપનીને જાણ કરતાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સર્વે કરાયો હતો.