યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા આજ તા.૨૪ મી માર્ચના રોજ સરકારી પોલીટેકનીક ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કુલ બે સેશનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સેશન ટી.બી જાગૃતતા વિશે હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા પોલીટેકનીકના વિદ્યાર્થીઓને ટીબી વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી અને આઈ.ઈ.સી મટીરીયલ પણ આપવામાં આવ્યું હતું. ભારત દેશમાં અને વિશ્વભરમાં ટીબીને લઈને હાલની શું પરિસ્થિતિ છે? ટી.બી ને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કેવા પગલાં લેવા જોઈએ અને ટી.બી ના દર્દીઓએ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એમના વિશે પણ નિષ્ણાંતોની ટીમ અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ થયો હતો. શારીરિક સ્વાસ્થ્ય સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી હોય છે એ વિશે આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય માટે આજના યુવાઓને શું કરવું જોઈએ એ વિશે માહિતી આપવામાં આવી હતી. બીજા સેશનમાં મહિલા સશક્તિકરણ અને આજના ટેકનોલોજીના યુગમાં મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી તેમજ મહિલા સશક્તિકરણ અંગે સાયકોલોજી કાઉન્સિલર મૌસમીબેન મારું દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પોલીટેકનિક કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપલ આર.એમ મોઢા , જિલ્લા ક્ષય કેન્દ્રથી પ્રિતેશ ભાઈ અને વિશાલ ભાઈ, પ્રોફેસરો ડી.કે ઓડેદરા, પી.પી પટેલ, જે.એમ પાવગઢી, વી.આર.માતંગ, એચ.એમ પાદરીયા, વી. ડી ચાવડા, નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી મેઘાબેન સનાવાલ, સ્વયંસેવકો ભૂમિકા રાઠોડ અને ચિરાગ સોલંકી તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

