રાજકોટમાં દર ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય તેવું પગલું સરકારે લીધું છે. શુક્રવારે સવારે ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને આજી ડેમ તરફ રવાના કરી દેવાયું છે. આજે આ નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ ત્રંબા ગામ પહોંચી ગયો છે. ત્યારે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ પાણી શનિવાર બપોર કે સાંજ સુધીમાં આજીડેમ પહોંચી જશે અને ધીરે ધીરે પાણીનો ભરાવો શરૂ થઇ જશે.
મનપાએ રાજકોટ સિંચાઇ વિભાગ પાસે બે મહિના પહેલા સૌની યોજનાના પાણી માટે માંગ કરી હતી. સિંચાઇ વિભાગે તે દરખાસ્ત સરકારમાં મૂકી હતી. જેને ગંભીરતાથી લેતા શુક્રવારે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે પાણી પહોંચ્યા બાદ કોઇ તકનીકી ખરાબી નહીં સર્જાય તો દરરોજ ઓછામાં ઓછું 40 કરોડ લિટરથી માંડી 70 કરોડ લિટર પાણીની આવક આજી ડેમમાં થશે સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળા માટે આજીડેમ ભરવા બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણીની માંગ કરી હતી. સિંચાઇ વિભાગે આ માંગ સરકાર પાસે કરી હતી જો કે તેમણે 1700ને બદલે 2000 કરોડ લિટર પાણી માગ્યું છે. જો કે અધિકારીઓના જણાવ્યા અનુસાર નર્મદાનીર રાજકોટ સુધી પહોંચે એ દરમિયાન પાઇપમાં ભરાવો તેમજ પહોંચ્યા બાદ સીધુ જમીનમાં ઉતરી જવું એ બધા મુદ્દાને ધ્યાને લઇને મનપાએ માંગેલા પૂરા જથ્થા માટે વધુ પાણી માગવામાં આવ્યું છે.