ભાવનગરમાં છઠ્ઠી માર્ચે જાનૈયાઓને લઈ જઈ રહેલી ટ્રકને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 38 પર પહોંચી ગયો છે. બીજી તરફ, આ ઘટના જેના લીધે બની તે ટ્રકનો ડ્રાઈવર પોલીસના હાથે શુક્રવારે પકડાયો હતો. આ ડ્રાઈવર કઈ રીતે ટ્રકમાં સવાર 75 જેટલા લોકોને મરતા છોડી નાસી ગયો હતો તેની પણ ચોંકાવનારી માહિતી પોલીસને મળી છે. આ દુર્ઘટનામાં મોતને ભેટનારા લોકોને 2 લાખની સહાય આપવાની પીએમે પણ આજે જાહેરાત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ટ્રક ડ્રાઈવરનું નામ નીતિન વાઘેલા હોવાનું બહાર આવ્યું છે, જે આ ટ્રકને ચલાવી રહ્યો હતો. નવાઈની વાત એ છે કે, જે ટ્રકમાં 75 લોકોને ભરવામાં આવ્યા હતા તે ટ્રક માણસો માટે તો ઠીક, સામાન લઈ જવાને લાયક પણ નહોતો. ટ્રક ચલાવી રહેલા નીતિનને પોલીસે મહુવામાંથી ઝડપી લીધો હતો.
આ અકસ્માત થયો ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલો એક બાઈકસવાર પોતાની બાઈક રસ્તા પર મૂકીને ઈઝાગ્રસ્તોને મદદ કરવા દોડ્યો હતો. નીતિન વાઘેલા રાહુલ કોળી નામના આ બાઈકચાલકનું રસ્તા પર પડેલું બાઈક ઉઠાવીને નાસી છૂટ્યો હતો. રાહુલે પોતાના બાઈકના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા, અને તેના આધારે જ નીતિન વાઘેલા ઝડપાયો હતો.
મહુવાના ડીએસપી બીડી ચૌધરીના જણાવ્યા અનુસાર, નીતિન વાઘેલા પાસે લાઈસન્સ નહોતું, છતાંય તે ત્રણ વર્ષથી ડ્રાઈવિંગ કરે છે. આ કેસની તપાસ કરી રહેલા પાલિતાણાના ડીએસપી પીપી પિરોઝીયાના જણાવ્યા અનુસાર, નીતિન વાઘેલા પર સાપરાધ માનવવધની કલમ લગાડવામાં આવશે.
મંગળવારે વહેલી સવારે અનીડા ગામેથી જાનૈયાઓને લઈને ટાટમ ગામે જઈ રહેલા ટ્રકમાં 70 જેટલા લોકો સવાર હતા. ટ્રક ડ્રાઈવરના બેફામ ડ્રાઈવિંગને કારણે ઓવરટેક કરતી વખતે આ ટ્રક પુલ પરથી 20 ફુટ નીચે ખાબકી હતી, 25 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય છ લોકો હોસ્પિલમાં પહોંચે તે પહેલા મોતને ભેટ્યા હતા.
ટ્રક પુલ પરથી જ્યાં પડી હતી ત્યાં પણ કોંક્રિટનો સ્લેબ હતો. વળી ટ્રક ઉંધી પડતા તેમાં સવાર મોટાભાગના જાનૈયાઓ ઉંધા માટે પટકાયા હતા, અને નીચે કોંક્રિટ હોવાથી તેમને માથામાં જ એટલી ગંભીર ઈજા થઈ હતી કે તેઓ ત્યાં જ મોતને ભેટ્યા હતા. એટલું જ નહીં, ટ્રક બે પિલ્લર વચ્ચે એવો ફસાયો હતો કે ઘાયલોને કાઢવામાં પણ ખાસ્સો સમય વિતિ ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં 45 જેટલા જાનૈયાઓ ઘાયલ થયા હતા, જેમાંથી વધુ ચાર લોકોએ બે દિવસમાં દમ તોડતા કુલ મૃત્યુઆંક હાલ 35 પર પહોંચ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ અકસ્માત થયો ત્યારે ડ્રાઈવર ઈજાગ્રસ્તોની મદદ કરવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને જોનારા લોકોએ પણ જણાવ્યું હતું કે, ડ્રાઈવર હાઈવે પર રેસ લગાવી રહ્યો હતો, અને તેમાં જ આ અકસ્માત થયો હતો.
મંગળવારે થયેલા આ અકસ્માતમાં વરરાજાના પાંચ પરિવારજનોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતની વાત વરરાજાએ ફેરા ન લઈ લીધા ત્યાં સુધી તેનાથી છૂપાવવામાં આવી હતી. વરરાજા પણ અગાઉ આ જ ટ્રકમાં જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમના માટે ગાડીની વ્યવસ્થા થતા તે ગાડીમાં લગ્ન સ્થળે પહોંચી ગયા હતા, જ્યારે પાછળ ટ્રકમાં આવી રહેલા લોકો આ અકસ્માતના ભોગ બન્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.