આગામી ફિફા વર્લ્ડકપની સફળ યજમાની કરવા માટે રશિયા તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. આ સંદર્ભે દુર્ઘટના અને આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે વિશ્વકપ દરમિયાન રશિયાનાં મોટા ભાગનાં કારખાનાં બંધ રહેશે, જોકે આનાથી રશિયાને આર્થિક રીતે મોટું નુકસાન થશે અને હજારો મજૂરોને લગભગ પાંચ સપ્તાહ સુધી કમાણીનું કોઈ સાધન નહીં મળે.
ફિફા વર્લ્ડકપની શરૂઆત રશિયામાં આ વર્ષે ૧૪ જૂનથી શરૂ થઈ રહી છે. આ પહેલાં ચીને પણ ૨૦૦૮ના બીજિંગ ઓિલમ્પિક પહેલાં કંઈક આવાં જ પગલાં ભર્યાં હતાં ત્યારે ચીને પ્રદૂષણને રોકવા માટે કોલસાની ઘણી ખાણને બંધ કરી દીધી હતી.
સુપરસ્ટાર ખેલાડીઓથી સજ્જ બ્રાઝિલની ફૂટબોલ ટીમને ફિફા વર્લ્ડકપ માટે સ્ટાલિન દ્વારા કમ્યુનિટી પાર્ટી માટે બનાવવામાં આવેલી આલિશાન સોવિયેત રિવેરાની સોચિ કામેલિયા હોટલમાં ઉતારાશે. આ હોટલની એક તરફ કાળો સમુદ્ર દેખાય છે, જ્યારે બીજી તરફ તાડનાં ઝાડ જોવા મળે છે. હોટલની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરાશે.