બઇ તા.૧૮ : કાળા નાણા પર સિકંજો કસવાના હેતુથી મોદી સરકાર તરફથી પ૦૦ અને ૧૦૦૦ની નોટો ઉપર પ્રતિબંધ બાદ ભાજપને મહારાષ્ટ્રની લોકલ ચૂંટણીમાં જોરદાર આંચકો લાગ્યો છે. ભાજપ મહારાષ્ટ્રના એક લોકલ એગ્રીકલ્ચર બોડીની ચૂંટણીમાં બહુ ખરાબ રીતે હારી ગયુ છે. પક્ષને મહારાષ્ટ્રમાં એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમીટીમાં ૧૭ બેઠકો પર પીજેન્ટસ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઇન્ડિયા, શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એલાઇન્સ તથા ભાજપમાંથી સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કરવાની હતી તેમાં ભાજપને એકપણ બેઠક પર વિજય નથી મળ્યો. આ ચૂંટણીમાં સૌથી વધુ ૧પ બેઠકો વર્કર્સ પાર્ટીને મળી છે. બીજી તરફ શિવસેના અને કોંગ્રેસને એક-એક બેઠક પર વિજય મળ્યો છે પરંતુ ભાજપને એક પણ બેઠક મળી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે રપ વર્ષ બાદ એપીએમસી પોલમાં એક બેઠક જીતવામાં સફળતા મેળવી છે. આ ચૂંટણીમાં વિજયનો ઉત્સવ ઉજવતી વખતે તંગદીલી ફેલાઇ હતી. જેમાં ભાજપના એક કાર્યકરને ઇજા પણ થઇ હતી.
કાળા નાણા પર અંકુશ મેળવવાના કારણે મહારાષ્ટ્રમાં સામાન્ય જનજીવન ઉપર ઘણી મોટી અસર પડી છે. નોટબંધીના ફેંસલાથી રિટેલ અને જથ્થાબંધ વેપારી પરેશાન છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ખેડુતો અને મજુરો પણ આ ફેંસલાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન આવતીકાલે દેશના છ રાજયોની આઠ વિધાનસભા મતવિસ્તારો અને ચાર લોકસભા વિસ્તારોમાં પેટાચૂંટણી થશે. નોટબંધીના ફેસલા બાદ થનારી આ પેટાચૂંટણી કેન્દ્ર સરકાર માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે. આ ચૂંટણીથી જાણી શકાશે કે નોટબંધીથી પ્રજા ખુશ છે કે નહી ?
ચૂંટણીનું જાહેરનામુ ર૬મી ઓકટોબરે જાહેર થયુ હતુ. ૧૯મીએ મતદાન બાદ મત ગણતરી રરમીએ થશે. આસામના લખીમપુર, મ.પ્રદેશની સહડોલ અને કુચબિહાર, પ.બંગાળની તમલુક ઉપરાંત આસામ, અરૂણાચલ, મ.પ્રદેશ, પ.બંગાળ, તામિલનાડુ, ત્રિપુરા અને પોંડીચેરીમાં વિધાનસભાની આઠ બેઠકો માટે મતદાન થશે.
સર્વાનંદ સોનોવાલે આસામ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના સાંસદ પદેથી રાજીનામુ આપ્યુ હતુ જે કારણે લખીમપુર બેઠક ખાલી થઇ છે. સોનોવાલ આસામના મુખ્યમંત્રી છે તો ભાજપના સાંસદ દલપતસિંહ પરાસ્તેના અવસાન બાદ મ.પ્રદેશના સહડોલ બેઠક પર પેટાચૂંટણી થશે. પ.બંગાળના કુચબિહાર બેઠકથી તૃણમૂલ સાંસદ રેણુકા સિંહાના મૃત્યુબાદ એ બેઠક ખાલી થઇ છે. તમલુક બેઠકથી તૃણમૂલના સાંસદ સુએન્દુ, નંદીગ્રામ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય ચૂંટાઇને મંત્રી બની ગયા છે આ કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
મ.પ્રદેશના સહડોલ અને નેપાનગર બેઠક પર કાલે મતદાન થશે. આ બંને બેઠક પર ભાજપનો કબજો છે તેથી ચૂંટણી મહત્વની છે. જો એક બેઠક પણ ભાજપ ગુમાવશે તો એવુ સમજાશે કે નોટબંધીનો આ નિર્ણય લોકોને ગમ્યો નથી. કોંગ્રેસનું કહેવુ છે કે, નોટબંધીનો નિર્ણય તાનાશાહીભર્યો છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કતારમાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. ખેડુતો પાસે પૈસા નથી. લોકો નારાજ છે તેથી ભાજપની વિરૂધ્ધ મત આપશે.