ઊપજમાં ઘટાડો તથા સ્થિર માંગના અહેવાલો વચ્ચે લાલ મરચાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લાલ મરચાંના ભાવ એક મહિના અગાઉની સરખામણીએ પાંચ રૂપિયા વધીને કિલોએ ₹105 નોંધાયા હતા. વિવિધ સ્ટેક હોલ્ડર્સના મતે લાલ મરચાંના પાકમાં 15 ટકાથી લઈને 30 ટકાનો ઘટાડો આવી શકે. આંધ્રપ્રદેશ તથા તેલંગણાના મરચું પકવતાં મુખ્ય મથકો પર ફસલની કામગીરી આગળ વધી રહી છે.
મરચું ઉગાડનારાઓ ઘટાડાનું પ્રમાણ નીચું રહેવાની આગાહી કરી રહ્યા છે ત્યારે ટ્રેડર્સને ભય છે કે આ સ્તર કદાચ વધારે ઊંચું હોઈ શકે. અગ્રણી નિકાસકાર જાબ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શૈલેશ શાહે જણાવ્યું હતું કે, આ મહિનાના અંતે કે એપ્રિલમાં ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં તો આ અંગે ફક્ત અનુમાન છે.
પાકના અભાવ છતાં પણ કદાચ ઉત્પાદન પૂરતા પ્રમાણમાં હશે કેમ કે આગલા વર્ષનો સ્ટોક છે. ગંતુરના મરચાંના કમિશન એજન્ટ વેંકટ રોસૈયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે આશરે ચાર લાખ ટન કેરીઓવર સ્ટોક છે. આશરે 16 લાખ ટનના સામાન્ય પાક સામે પાછલા વર્ષે ત્રણ લાખ ટનનો સપ્લાય વધ્યો હતો, જેના કારણે વધારે ઊંચો કેરીઓવર સ્ટોક થયો હતો.
ચીન ભારતમાંથી મરચાંની ખરીદી વધારે તે માટે નિકાસકારો રાહ જોઈ રહ્યા છે. તાજેતરના સમયમાં ચાઇનીઝ ખરીદીએ મોટો ફાળો આપ્યો છે જેના કારણે મરચું ₹5,000 કરોડથી વધુની આવક સાથે તેજાનામાં સૌથી મોટા નિકાસકાર બન્યું છે.
શાહે જણાવ્યું હતું કે, એપ્રિલ સુધીમાં ચીન દ્વારા મરચાંની ખરીદીમાં વધારો થવાની અપેક્ષા છે જેના કારણે ભાવમાં વધારે સુધારો આવી શકે. અન્ય એક અગ્રણી નિકાસકાર સિદ્ધાર્થ કોર્પોરેશન ખાતે એક્સ્પોર્ટ મેનેજર આશિષ નાઇકે જણાવ્યું હતું કે, આ વર્ષે વિક્રમ નિકાસ થશે. ફક્ત પાછલા બે મહિના દરમિયાન સહેજ ઘટાડો નોંધાયો હતો. આ વર્ષે એક્સ્પોર્ટ શિપમેન્ટ પાંચ લાખ ટનને પાર કરે તેવી અપેક્ષા છે.