ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં બનેલી એક ઘટનામાં બજરંગ દળના કથિત કાર્યકરે એક મુસ્લિમ મહિલાની આંગળીઓ કાપી નાખતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બજરંગ દળ દ્વારા ઘરમાં રહેવા માટે અપાયેલા આદેશને ન માનવા બદલ આ મહિલા અને તેના દીકરા પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, અને હાલ આ બંને વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રોશનબીવી સૈયદ (ઉ. 52 વર્ષ)નો અંગૂઠો, તેમજ તેની બાજુની બે આંગળીઓને કાપી નાખવામાં આવી છે, જ્યારે તેમના દીકરા ફરઝાન (ઉં. 32 વર્ષ)ને માર મારવામાં આવતા તેના માથા તેમજ હાથમાં ફ્રેક્ચર થયું છે. હાલ આ બંનેની હાલત સ્થિર છે.
સ્થાનિક એક્ટિવિસ્ટોના જણાવ્યા અનુસાર, 6 ડિસેમ્બરના રોજ બજરંગ દળ દ્વારા છત્રાલના મુસ્લિમોની વસ્તી ધરાવતા કસ્બાવાસ વિસ્તારમાંથી 1992માં થયેલા બાબરી ધ્વંસ નિમિતે એક રેલી કાઢવામાં આવી હતી. ત્યારથી જ આ વિસ્તારનું વાતાવરણ ડહોળાયું હતું. રવિવારે રાત્રે અહીં કોઈક કારણસર કોમી છમકલું થયું હતું.
રોશનબીવીના ભત્રીજા અસલમ સૈયદના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે રોશનબીવી તેમજ દીકરાને પોતાના વિસ્તારની બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જોકે, તેઓ પોતાના ઢોર ચરાવવા ગયા તે વખતે બજરંગ દળના કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
અસલમે જણાવ્યું હતું કે, ઘાયલ અવસ્થામાં પડેલા રોશનબીવી અને તેમના દીકરાને દૂધ વેચવા નીકળેલા એક ભરવાડે જોયા હતા, અને તેમને પોતાના ઘરે પહોંચાડ્યા હતા. રોશનબીવીને થયેલી ઈજા ગંભીર હોવાથી તેમના પર સર્જરી પણ કરવામાં આવી છે. છત્રાલ પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ભાનમાં આવશે પછી તેમના નિવેદન લેવાશે અને FIR પણ દાખલ થશે.
સ્થાનિક એક્ટિવિસ્ટ શરીફ મલેકના જણાવ્યા અનુસાર, મુસ્લિમ મહિલા અને તેના દીકરા પર હુમલો કરનારા બજરંગ દળ સાથે સંકળાયેલા છે અને અગાઉ પણ તેઓ આવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. ગાંધીનગરના એસપી યોગેન્દ્રસિંહ યાદવના જણાવ્યા અનુસાર, સોમવારે પ્રતાપપુરા ગામ અને છત્રાલ એમ બે જગ્યાએ આવી ઘટના બની છે, અને બંને સ્થળ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.
યાદવે જણાવ્યું હતું કે, છત્રાલની ઘટનામાં પોલીસ હત્યાની કોશીશનો ગુનો દાખલ કરી આરોપી સામે ફરિયાદ નોંધશે અને આ ઘટના કોમી રમખાણનો કિસ્સો છે કે અંગત અદાવત તેની પણ ઉંડાણપૂર્વક તપાસ થશે. પોલીસે સ્થાનિક શાંતિ સમિતિના લોકો સાથે બેઠક બોલાવી હોવાનું તેમજ છત્રાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું પણ યાદવે કહ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.