પશ્ચિમ તથા દક્ષિણમાં ગરમીના વાતાવરણ વચ્ચે પાછલા મહિને માંગમાં 15 ટકાથી વધુનો વધારો થવાથી તથા આ વર્ષે ઉનાળો સખત પડશે એવા હવામાન ખાતાના અંદાજ વચ્ચે એસી ઉત્પાદકો ઉત્પાદન વધારી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી નબળા વેચાણનો સામનો કરનારા વ્હાઇટ ગૂડ્ઝ ઇન્ડસ્ટ્રી માટે વેચાણ પુન:જીવંત થવાનો આશાવાદ સર્જાયો છે. અગ્રણી એર-કંડિશનર ઉત્પાદકો જેવા કે વોલ્ટાસ, ડાઇકિન અને ગોદરેજ તેમના ઉત્પાદનમાં 20 ટકા સુધીનો વધારો કરી રહ્યા છે.
કંપનીઓએ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ આ ઉનાળા દરમિયાન વેચાણમાં 10-12 ટકાના વૃદ્ધિદરની અપેક્ષા રાખતી હતી ત્યારે હવે તેઓ વેચાણમાં 20 ટકાના વૃદ્ધિદરની અપેક્ષા રાખી રહ્યા છીએ અને તેથી શરૂઆતના વેચાણના આધારે વધારાની ઇન્વેન્ટરી પાઇપલાઇન ઊભી કરી રહ્યા છે.
ટાટાની માલિકીની વોલ્ટાસના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ બક્ષીએ જણાવ્યું હતું કે, અમે ઉત્પાદનમાં લગભગ 20 ટકાનો વધારો કરી રહ્યા છીએ કેમ કે અમે પ્રારંભિક સ્તરે વેચાણમાં જે વધારાની અપેક્ષા રાખતા હતા તેની સરખામણીએ હવે વધારે ઊંચા વેચાણની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે, પાછલા વર્ષની પણ ઘણી દબાયેલી માંગ છે. અમે સ્ટોક ઊભો કરવા માટે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છીએ.
ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ વડા કમલ નાંદીએ જણાવ્યું હતું કે, અન્ય ટેકો આપનારા વૃદ્ધિના નિર્દેશકોના અભાવમાં આઇએમડીનો અંદાજ ઉદ્યોગ માટે સૌથી મોટો હકારાત્મક ઘટનાક્રમ છે. તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ તથા દક્ષિણમાં રાત્રીનું તાપમાન 25 ડિગ્રી કરતાં પણ વધારે છે કેમ કે ફેબ્રુઆરીના મધ્યભાગથી વેચાણમાં વધારો થઈ રહ્યો છે. હવે અમારા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા તેની ટોચની ક્ષમતા પર છે.
વ્હાઇટ ગૂડ્ઝ ઉદ્યોગની હાલત ખરાબ હતી કેમ કે જીએસટીનો અમલ થયો ત્યારથી અત્યાર સુધીમાં ગ્રાહકોએ તેમની મુનસફી પ્રમાણેના ખર્ચ મોકૂફ રાખ્યા હોવાના કારણે ટેલિવિઝન, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન જેવી ઘણી કેટેગરીમાં ફ્લેટથી લઈને નીચા સ્તરના સિંગલ ડિજિટમાં વૃદ્ધિ જોવાઈ હતી.
પાછલા વર્ષે જીએસટીના અમલના કારણે તથા નોટબંધી પછીની અસરોના કારણે એર કંડિશનર માર્કેટને ભારે ફટકો પડ્યો હતો. ડાઇકિન એર કંડિશનિંગ ઇન્ડિયાના સીઇઓ કેજે જાવાએ જણાવ્યું હતું કે, કંપનીએ બજારની સરખામણીએ વધારે ઝડપી વૃદ્ધિના લક્ષ્યાંક સાથે ઉત્પાદનમાં વધારો કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં અમારા બીજા પ્લાન્ટ ખાતે ઉત્પાદનની શરૂઆત કરી છે કે જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક સાત લાખ ટનથી વધારીને 15 લાખ યુનિટ કરવામાં આવી છે. કંપનીનો લક્ષ્યાંક આ વર્ષે ₹4,000 કરોડને સ્પર્શ કરવાનો છે કે જે પાછલા વર્ષે 3250 કરોડનો હતો.
એલજી ઇન્ડિયાના બિઝનેસ હેડ વિજય બાબુએ જણાવ્યું હતું કે, મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝના કારણે કંપની માંગના આધારે ઉત્પાદનમાં ઝડપી વધારો કરી શકે.