આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા 7 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 92 ડોલરની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. આમ છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા બાદ પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કેમ નથી થઈ રહ્યું.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરવા જઈ રહી નથી. તેમનું કહેવું છે કે ઓઈલ કંપનીઓને તેમની ખોટ રિકવર કરવા માટે વધુ સમયની જરૂર છે.
એક કાર્યક્રમ દરમિયાન મીડિયાએ તેમને પૂછ્યું કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને જોતા દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે? આ પ્રશ્નના જવાબમાં પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે વિકસિત દેશોમાં જ્યાં ઈંધણના ભાવમાં જુલાઈ-ઓગસ્ટ વચ્ચે 40 ટકા સુધીનો વધારો થયો છે, ભારતમાં કિંમતોમાં લગભગ 2.12 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઓઈલ કંપનીઓને નુકસાન થયું છે. હવે કંપનીઓ નુકસાનની ભરપાઈ કરવા માટે કિંમતોમાં વધારો કરવાનું કામ ચાલુ રાખી શકે છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને એક રિપોર્ટ અનુસાર સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ એ પેટ્રોલ અને ડીઝલને ખોટમાં વેચ્યું હતું. કંપનીએ પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 15 રૂપિયા પ્રતિ લિટરના નુકસાને વેચ્યું હતું. જોકે હવે કંપની ખોટમાંથી બહાર આવી ગઈ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે નહીં.