ભાવનગર જિલ્લાના રોડની દુર્દશાના કારણે વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. ચોમાસામાં મોટા અકસ્માતનું જોખમ ઉભું થયું છે.
સિહોર તાલુકાનાં બાયપાસ ટાણા ઉપર રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે.
આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાં પણ તંત્ર વાહકો ને કાઈ પડી નથી.
રોડ પરથી રોજના મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈ અવર જવર કરી રહ્યા છે, પરંતુ રોડ પર પડેલા ખાડાના કારણે ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે.
અને ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતના બનાવો વધ્યા છે.
સિહોર બાયપાસ રોડ પરથી 20 જેટલા ગામોને જોડતો રસ્તો
સિહોરથી ટાણા સુધીના રોડ પર હજારો વાહનોની અવરજવર થતી હોય છે. જોકે, રોડ પરની સ્થિતિ અત્યંત બિસ્માર બની હોવાના કારણે પાંચ કિલોમીટરનું અંતર કાપવામાં પણ એક કલાક જેટલો સમય વીતી જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સિહોર બાયપાસ રોડ પરથી 20 જેટલા ગામો પર જવાનો મુખ્ય રસ્તો છે. જેમાં કનાડ, ખાંભા, સર, કાજાવદર, જાંબાળા સહિતના માર્ગને જોડતો રોડ હોય મોટી સંખ્યામાં ગ્રામજનો આ રોડનો ઉપયોગ કરે છે પણ રોડની સ્થિતિ ખુબજ ખરાબ હોય લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
