ગોંડલ પંથકમાં જામ્યો વરસાદી માહોલ,નદીઓમાં આવ્યા નવા નીર
આજે ભીમ અગિયારસના પાવન દિવસે ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. જયારે નદી-નાળા છલકાયા હતા.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.
અહીં ભારે બફારાના વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
ગોંડલમાં વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે.જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
આમ,ભીમ અગિયારસના દિવસેજ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અગાઉ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી,આમ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થતા કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત થઈ છે.