ચુંટણી સમયે કોઈને કોઈ રીતે જ્ઞાતિગત સમીકરણોની ગોઠવણો શરૂ થઈ જાય છે, રાજ્યમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓમાં પાટીદાર સમાજ આવે, ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે ઉચું મહત્વ ધરાવતો પાટીદાર સમાજ ગુજરાતના રાજકારણમાં દક વખતે ઘેરા પ્રભાવો પાડે છે.
સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામ સંસ્થાના અધ્યક્ષ નરેશ પટેલનું નામ છેલ્લી દરેક ચુંટણીઓ પહેલા ચમકતું આવ્યું છે, જે આ વખતે પણ બન્યું.
નરેશ પટેલના ટેકેદારો દ્વારા તેઓ રાજકારણમાં આવી રહ્યા છે તેવી જાહેરાતો મહિનાઓથી થઈ રહી છે, જેના પગલે ભાજપ હોય કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આમ દરેક પાર્ટીઓના નેતાઓ નરેશ પટેલને મળી આવ્યા છે.
નરેશ પટેલ પણ અનેક વાર દિલ્હી, મુંબઈ અને ઉદયપુરમાં નેતાઓ સાથે બેઠકો કરી છે, પરંતુ હજી સુધી તેઓ રાજકારણમાં કયારે આવશે તેનો ફોડ પાડવાને બદલે તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ હોય કે પછી દિલ્હી કોંગ્રેસના હાઈકમાન હોય દરેક ઈચ્છી રહ્યા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય, જ્યારે સામા પક્ષે ભાજપ પ્રમાણમાં ઓછો ભાવ આપતું હોય તેવું દેખાઈ રહ્યું છે, કોંગ્રેસને કોઈને કોઈ રીતે તેનાથી છૂટો પડી ગયેલો પાટીદાર સમાજનો સાથ જોઈએ છે, જેમાં ગઈ ચુંટણીમાં હાર્દિક પટેલ થકી પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ વખતે નરેશ પટેલ થકી સાથે લેવા ઈચ્છે છે.
સામે નરેશ પટેલે કોંગ્રેસ સામે અનેક શરતો મૂકી હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં પોતે મુખ્યમંત્રીનો ચહેરો બનાવાથી લઈને પિતાની પસંદના ઉમેદવારો કોંગ્રેસ ઊભા રાખે તેવી માંગો જણાઈ રહી છે.
અત્યારે નરેશ પટેલ ભલે સર્વ જ્ઞાતિઓની વાતો કરતા હોય પણ અંદરખાને તો તેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ જ સત્તાના મુખ્યસ્થનો ઉપર હોય, નરેશ પટેલની આવી મહત્વાકાંક્ષાથી કોંગ્રેસમાં અન્ય જ્ઞાતિઓના મોટા નેતાઓ આ વાતને માની ન શકે તે સ્વાભાવિક છે, પરિણામે કોંગ્રેસ પાર્ટીમાં જ પાટીદાર પાવરના પ્રયત્નોથી અન્ય નેતાઓ વિખેરાઈ જાય.
આ ઉપરાંત હાલ સુધીમાં નરેશ પટેલે પોતે નિષ્પક્ષ હોવાની છાપ જાળવી છે, રાજકારણમાં પ્રવેશ અગાઉ તેઓ દરેક પાર્ટીઓના નેતાઓને મળી રહ્યા છે, અને દરેક પાર્ટી હાલમાં તો નરેશ પટેલ સારા માણસ છે તેવો જ ભાવ આપી રહ્યાં છે… હવે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેમની નિષ્પક્ષતાની છાપને ભાજપ કચડી નાખે, જ્યાં સુધી તેઓ કોંગ્રેસમાં જોડાય નહિ ત્યાં સુધી તેઓ હીરો છે પણ જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાય એ ભેગુ જ ભાજપ નરેશ પટેલને ઝીરો બનાવી દેવાની વ્યૂહ તૈયાર કરશે.
માન મોભો ધરાવતા નરેશ પટેલ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા કોંગ્રેસમાં જોડાય, અને પરિણામે ભાજપ પોતાના વ્યુહથી નરેશ પટેલની છબીને નુકશાન પહોંચાડે, અને અંતે નરેશ પટેલને ખોડલધામનું અધ્યક્ષ પદ પણ છોડવું પડે તો કંઈ કહેવાય નઇ.