વર્ષ 1995થી સત્તાથી દૂર ગુજરાત કોંગ્રેસ માટે આગામી વિધાનસભા ચુંટણી અસ્તિત્વ ટકાવી રાખવા માટેની ગણી શકાશે, માટે જ ગુજરાત કોંગ્રેસ પોતાની રણનીતિ પ્રમાણે ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગઈ છે.
છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસે સૌથી સારું પ્રદર્શન ગત્ વિધાનસભાની ચુંટણીઓમાં કરેલું, જેમાં 77 બેઠકો મેળવીને સત્તાધારી ભાજપના એક સમયે મુશ્કેલીમાં ઊભું રાખી દીધેલું.
ચુંટણીમાં આવેલા આ પરિણામોનું સૌથી મોટુ પરિબળ પાટીદાર અનામત આંદોલનથી પટેલ સમાજની ભાજપ પ્રત્યેની વિમુખતા હતું, આ આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસ પાસે હતો, કારણ કે હાર્દિક પટેલે બહારથી કોંગ્રેસને ટેકો આપીને ચુંટણી સમયે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કર્યું હતું, જેના પરિણામે ભાજપથી નારાજ પટેલ સમાજના મોટા વર્ગે ચુંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરેલું.
અને હવે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ફાયર નેતા જીજ્ઞેશ મેવાનીણીને આગળ કરતી હોય તેવું દેખાય છે, જીજ્ઞેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે, જે તેવરથી ભાજપ સામે આકરાપાણીએ થાય છે તેવો તેવર કોંગ્રેસના નેતાઓમાં નથી જોવા મળતો,
છેલ્લે જ્યારે આસામ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ જીજ્ઞેશ મેવાણી ખૂબ જ આક્રમકતાથી ઊભા થયા છે.
દલિત સમાજ કોંગ્રેસનો મૂળ મત રહ્યો છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપે તેમાં પણ પોતાના મૂળિયાં નાખીને કોંગ્રેસને નુકશાન કર્યું છે, આ ઉપરાંત મુસ્લિમ સમાજ અને વંચિત સમાજ પણ હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલો છે, જેમાં પણ ભાજપ રણનીતિથી ખેંચ ઊભી કરી રહ્યું છે,
આવા સમયે જીજ્ઞેશ મેવાણી થકી કૉંગ્રેસ આ દરેક સમાજ પાછો કોંગ્રેસ તરફ જુકે તેવી આશા સેવી રહી છે.
કોંગ્રેસ માટે અનેક મુશ્કેલીઓમાં એક છે ભાજપની જોડતોડની રણનીતિ. જેના પરિણામે વર્ષોથી જે સમાજ કોંગ્રેસ તરફી રહ્યો છે, કોંગ્રેસનો પાયાનો મત રહ્યો છે તેવા સમજો ધીરે ધીરે કોંગ્રેસથી દૂર રહેવા માંડયા છે, જેની સીધી અસર કોંગ્રેસ ચુંટણી સમયે ભોગવતું રહ્યું છે, અને એટલે જ જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ હવે કોંગ્રેસ માટે આશાનું કિરણ સમાન બની રહ્યાં છે.
બીજી બાજુ હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસ સામે સવાલો ઉભા કરી રહ્યો છે, તે જોતાં તેની રાજનીતિ કઈ દિશામાં જશે તે નક્કી ન કરી શકાય, અને કોંગ્રેસને ખબર છે કે અવઢવમાં રહેલા હાર્દિક પટેલને આગળ કરીને ચુંટણીનું પ્લાનિંગ કરીએ અને છેલ્લે હાર્દિક પટેલ છટકી જાય, ત્યારે એક બાજુ ચુંટણીની તારીખો અને બીજી બાજુ હાર્દિક ઊભો હોય… ત્યારે પાર્ટીની શું હાલત થાય.