વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ તો ક્યારના વાગી ચુક્યા છે, જેની તૈયારીરૂપે દરેક પાર્ટીઓ મેદાનમાં દેખાય છે, ચુંટણીઓ અલગ અલગ પરિબળોમાં કેન્દ્રિત રહીને લડાતી આવે છે, જેમાંનુ સૌથી મોટું પરિબળ છે જ્ઞાતિવાદ.
આપણે ત્યાં પરંપરાગત જ્ઞાતિવાદનું કોઈને કોઈ રીતે જોર રહ્યું છે, જેનું સૌથી મોટું ઉદાહરણ ચુંટણીઓ સમયે દેખાઈ આવે છે, જેનો ઉપયોગ ચુંટણી સમયે રાજનેતાઓ ખૂબ ચાલાકીથી કરતા હોય છે.
ગુજરાતમાં સાડા છ કરોડની જનતા છે, અલગ અલગ જ્ઞાતિઓના વાડાઓના કારણે લગભગ દરેક નેતાઓ ચુંટણીઓ જીતે છે, ત્યારે આ વખતે પણ આવા જ્ઞાતિવાદનું ભૂત ઉત્પન્ન કરીને નેતાઓ રાજકીય વાતાવરણ ગરમ કરી રહ્યાં છે, પાર્ટીઓ જ્ઞાતિઓના પ્રભાવશાળી નેતાઓને તેમની વચ્ચે ઊભા કરીને બેઠકો જીતે છે, અને પરિણામે બહુમત મેળવીને સરકાર બનાવે છે.
ગુજરાતમાં સૌથી વધારે OBC મતદારો છે, જેના પર એક સમયે કોંગ્રેસની ખૂબ સારી પકડ હતી, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં KHAM થિયરી વખતે રાજ્યનો સવર્ણ અને OBC વર્ગના લોકો અને નેતાઓ ધીરે ધીરે કોંગ્રેસથી અલગ થયા, જેને ભાજપે બંને હાથે જડપી પોતાની તરફ કરી દીધેલા, પરિણામે કોંગ્રેસે એક પછી એક નુકશાનો ભોગવવા પડ્યા, અને હજી ભોગવી રહી છે.
રાજ્યમાં સૌથી વધારે મતદારો ધરાવતી જ્ઞાતિ કોળી ઠાકોર સમાજની છે, અને એટલે જ દરેક પાર્ટીઓ આ સમાજ પ્રત્યે કૂણું વલણ ધરાવતી હોય છે, રાજ્યમાં કોળી સમાજ ઓછામાં ઓછી 45 બેઠકો પર સીધું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે કોળી સમાજ ધારે તે ઉમેદવારને જીતાડી શકે છે.
વર્ષ 2015 માં પાટીદાર અનામત આંદોલન બાદ દરેક રાજનૈતિક નિષ્ણાતો માનતા હતાં કે પાટીદાર સમાજ હવે ભાજપ છોડીને કોંગ્રેસ સાથે મળી જશે, જેનો ત્યારબાદની 2017ની ચુંટણીઓમાં અમુક અંશે કોંગ્રેસને ફાયદો થયેલો, પણ જે રીતે કોંગ્રેસ પ્રત્યે લોકોની ધારણા રહી છે તેને કારણે કોંગ્રેસ તેનો પૂરો ફાયદો લઈ ન શક્યું તે આપણે જોયું છે.
આ વખતે પણ કોંગ્રેસ આ જ રસ્તે પાટીદાર સમાજને પોતાની પાસે રાખવા માંગે છે, પણ ભાજપ જે રીતે પાટીદાર સમાજમાં ઘૂસીને વિભાજન કરી રહી છે તે જોતાં કોંગ્રેસની સફળતા માટે શંકા છે.
રાજ્યમાં પાટીદાર સમાજ લગભગ 50 થી વધારે બેઠકો ઉપર હાર જીતનો ફેંસલો કરે છે, જે કોઈપણ પાર્ટીની સરકાર બનાવી પણ શકે અને બગાડી પણ શકે છે, અને એટલે જ સમય એવો આવ્યો છે કે કોઈ પણ પાર્ટી પાટીદાર સમાજ વિના ચુંટણીનું નામ સુદ્ધાં ન લઈ શકે.
બીજી બાજુ છેલ્લા કેટલાય વર્ષોથી પાર્ટીઓનું પ્રમાણમાં ઓછું ધ્યાન કેન્દ્રિત થયેલું તેવો આદિવાસી સમાજ પણ આ ચુંટણીઓમાં ખુબ ચર્ચામાં રહેશે તેવું દેખાઈ આવે છે, આદિવાસી સમાજ રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 30 બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે, જે પણ ખૂબ મોટી સંખ્યા કહેવાય, અને એટલે જ હવે પાર્ટીઓ આદિવાસી સમાજના મતદારો પર પણ ભાર આપવા લાગી છે.
જ્ઞાતિઓના આ તમામ ચૂંટણીલક્ષી પરિબળ રાજકારણીઓ અને પાર્ટીઓ અજમાવીને જ ચુંટણી મેદાને ઉતરે છે, પણ સામે આ સમાજોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચુંટાયેલા નેતાઓ કે પાર્ટીઓ શિથિલ થઈ જાય છે, અંતે પ્રજા હંમેશા પરેશાન જ રહેલી હોય છે.
ઓછી સાક્ષરતા, સામાન્ય સમજણની કમી, ચુંટણી સમયે આવતા નેતાઓના બોલ પર ભોળપણના કારણે કરેલો વિશ્વાસ જેવી બાબતોની સામે મતદારો પોતાનો તર્ક ભૂલે છે,અને નેતાઓ આ જ બાબતોનો ફાયદો ઉઠાવીને પાંચ વર્ષ માટે રાજ કરે છે.
સમાજમાં જ્ઞાતિવાદ નરી સત્યતા છે, જેમાં સૌથી વધારે પ્રભાવ નેતાઓ પાડે છે, અને એ જ જ્ઞાતિવાદના પડનારી પ્રજા ભોગવે છે.
પણ હવે… રાજ્યમાં સાક્ષરતા વધી છે, લોકોમાં તંત્ર સામે પડકાર કરવાની ક્ષમતા પણ વધી છે, જ્ઞાતિવાદના વાડાઓ મૂકીને ધીરે ધીરે લોકો સુવિધા, સુરક્ષાનો ભાવ માંગે છે,
ભવિષ્યમાં દેખાય છે કે માંગતી પણ રહેશે, અને મતદારોમાં જ્યારે આવા ફેરફારો થશે, સામાન્ય સમજણ વધશે ત્યારે જ નેતાઓ જ્ઞાતિવાદ છોડીને ખરા વિકાસ ની વાતો કરશે.