ચુંટણીના સમયે દરેક રાજનૈતિક પાર્ટીઓ ખાસ કરીને તેના કાર્યકર્તાઓ અને યુવા નેતાઓના ચહેરા પર વધારે નિર્ભર કરતી હોય છે.
વાત કરીએ ગુજરાત કૉંગ્રેસની તો આ ચુંટણી કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની બની રહેશે, છેલ્લા 27 વર્ષોથી સત્તા બહાર રહેલ કોંગ્રેસ આ ચુંટણીમાં પાછી પડશે તો બની શકે કે આવતા વર્ષોમાં રાજ્યમાંથી કોંગ્રેસ ત્રીજા નંબર પર પહોંચી જાય.
છેલ્લા કેટલાય સમયથી એક પછી એક નેતાઓ અને ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે, વર્ષોથી કોંગ્રેસના નેતાઓની આ પ્રકારની ગતિવિધિઓ આપણે જોઈ છે, અને એટલે જ ગુજરાતમાં તેઓ સત્તાથી દૂર થતાં ગયાં છે, અને હવે પણ આ પરિબળ સત્તાવિમુખ કરે તો નવાઈ નહી હોય.
વર્ષ 2017 નો ચુંટણી સમય કોંગ્રેસ માટે ખૂબ સારો રહ્યો, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાઓ કોંગ્રેસને મળ્યાં, પણ કમનસીબે ચુંટણી પછી પાર્ટી નેતૃત્વથી નારાજગી બતાવીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધી, અને હવે હાર્દિક પટેલ પણ એ જ રાહે હોય તેવું દેખાઈ આવે છે.
કોંગ્રેસ આ ચુંટણી હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને આગળ કરીને લડે તો સારી લડત આપી શકે.
એક તરફ હાર્દિક પટેલ નેતૃત્વથી નારાજ છે,અને એક પછી એક વિવાદિત વાતો કહી રહ્યા છે, જ્યારે બીજી બાજુ જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી ત્યારથી તેનું અતિઆક્રમક રૂપ દેખાઈ આવ્યું છે, જેલમાંથી છૂટયા બાદ જીગ્નેશ મેવાણીના એક પછી એક કાર્યક્રમો ગોઠવી દેવાયા છે.
હવે આવા સંજોગોમાં કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી જેવા બે યુવા ચહેરાઓ સાથે મળીને કઈ રીતે કામ કરી શકે તે જોવું રહેશે.
કોંગ્રેસના પ્રદેશના આગેવાનોથી લઈને હાઈકમાન સુધીના નેતાઓ દ્વારા હાર્દિક પટેલને મનાવવાની કોશિશો શરૂ છે, પણ નારજગી દૂર થઈ નથી, જ્યારે 2017ની ચુંટણી જેમ આ વખતે પણ કોંગ્રેસ માટે હાર્દિક પટેલ ભૂમિકા ખૂબ મહત્વની હશે, ત્યારે કોંગ્રેસ તેના બીજા ફાયર નેતા જીજ્ઞેશ મેવાણી પર દાવ ખેલવા માગતું હોય તેવું લાગે છે.
આવા તમામ પરિબળો વચ્ચે આવતા દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે અને તે પહેલાં હાર્દિક પટેલને લઈને જે કઈ સવાલો છે તેનું સુખદ નિરાકરણ આવે, ઉપરાંત અન્ય નારાજ નેતાઓને પાર્ટી છોડતા બચાવી લે તો ગુજરાત કોંગ્રેસ સાચા અર્થમાં સ્થિર ઊભી રહીને આગામી ચૂંટણીઓ લડી શકશે.