રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ રાજકારણના નવા નવા વળાંકો સામે આવી રહ્યાં છે, ગઈકાલે ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજમાંથી આવતા કદાવર કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા.
વર્ષ 2017 ની વિધાનસભા ચુંટણીઓમાં છેલ્લી બે ચુંટણીઓ કરતા સારું પ્રદર્શન કરીને કુલ 77 બેઠકો મેળવી હતી, આ એવી સમય હતો કે ત્યારે સત્તાધારી ભાજપ ને પણ અવઢવમાં મૂકી દીધેલી.
પણ ત્યારબાદ કોંગ્રેસમાંથી જે રીતે એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગયા તેમ તેમ ભાજપ વધુ મજબૂત બનતી ગઈ, અને અત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ છે કે તેમની 77 બેઠકો માંથી 63 બેઠકોમાં સંકેલો થઈ ગયો છે.
2017 ની ચુંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ 16 ધારાસભ્યો પાર્ટીના દોષ ગાઈને ભાજપમાં ભળી ગયા છે.
છેલ્લે અશ્વિન કોટવાલ ભાજપમાં જતા રહેતાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 63 થયું છે, જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 111 છે.
182ની વિધાનસભામાં અત્યારે 178 ધારાસભ્યો મોજુદ છે અને ચાર બેઠકો ખાલી છે, જેમાં ખેડબ્રહ્મા, ભિલોડા, ઉંઝા દ્વારકા બેઠકો આવે છે.
વિધાનસભામાં BTPના બે ધારાસભ્યો, NCPના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે.
રાજકારણીઓને આમ તો કોઈ પાર્ટીમાં જવું કે રહેવું તે બાબતે સંપૂર્ણ સ્વતંત્ર છે, પણ આ પ્રકારે પક્ષપલટી કરતાં નેતાઓ સામે નિષ્ઠાના સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે, અને એમાં પણ ખાસ કરીને ચુંટણીનો ધમધમાટ શરૂ છે અને આવા સમયે એક ચુંટાઈ આવેલ ધારાસભ્ય પક્ષપલટો કરે જે બાબત જનમાનસમાં નકારાત્મકતા ઊભી કરે.
ખેર, ગત ચુંટણીઓમાં 77 બેઠકો જીતેલી કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલી, પરંતુ જે રીતે તેમાંથી એક પછી એક નેતાઓએ પક્ષ છોડ્યો તે સાથે વિપક્ષને નબળો પાડતો ગયો છે.
આવા સમયે ગુજરાતમાં મજબૂત શાસક પક્ષની સાથે સાથે મજબૂત વિપક્ષ અનિવાર્ય છે ત્યારે જોવું રહેશે કે આ પ્રકારના પરિબળો વચ્ચે કોંગ્રેસ આગામી ચુંટણીઓમાં કયા પરિણામો પર આવી શકે છે.