ભરતસિંહ સોલંકીના દાવામાં કોઈ માલ નથી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ તો 6 મહિના જેટલી વાર છે, પરંતુ આ વખતે રાજ્યમાં અત્યારથી જ ચુંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, સત્તાધારી ભાજપ કેટલાક મહિનાઓથી સતત ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગઈ છે, સામે પક્ષે ગુજરાત કોંગ્રેસ પણ ધીરે ધીરે એક્શન મોડમાં દેખાઈ આવી છે, જ્યારે બીજી બાજુ બે રાજ્યોમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પગ પેસારાની આશા સેવી રહી છે.
દરમિયાન ગઈકાલે કોંગ્રેસ નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ ભારતસિંહ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું છે કે, થોડો સમય રાહ જુઓ, ગુજરાતની તમામ પાર્ટીઓ એક થઈને ભાજપ સામે લાડવા તૈયાર થશે.
ભરતસિંહ સોલંકીનું આ પ્રકારનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે આપ પાર્ટી અને આદિવાસી સમાજની BTP પાર્ટીએ એકસાથે ચુંટણી લડવાનું નક્કી કર્યું છે… સવાલ એવો થાય કે આમાં કઈ રીતે બધી પાર્ટીઓ સાથે મળીને ભાજપ સામે લડશે.
આમ આદમી પાર્ટી ખરેખર તો કોંગ્રેસ માટે મુસીબત લાવીને ઊભી છે, છેલ્લા વર્ષોમાં સ્થાનિક ચુંટણીઓમાં જ્યાં જ્યાં આપ પાર્ટી સક્રિય રહી ત્યાં તો કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયેલા, અને હવે એવું જ કારસ્તાન વિધાનસભાની ચૂંટણીઓમાં થાય તો નવાઇ નહીં હોય.
જ્યારે બીજી બાજુ BTP પાર્ટી માત્ર આદિવાસી સમાજના મતદારો પર જ નિર્ભર રહે છે, ત્યાં પણ BTP પાર્ટીનું જોઈએ તેટલું જોર દેખાઈ આવતું નથી, ગત વિધાનસભાની ચૂંટણીઓમાં BTP પાર્ટીએ માત્ર બે બેઠકો પર જીત મેળવેલી, જે બંને બેઠકો પણ છોટુ વસાવા અને તેના પુત્ર જીતી આવેલા.
જાણકારોના મતે BTP એ આપ પાર્ટી સાથે ગઠબંધન પોતાને બચાવવા માટે કર્યું છે, જ્યારે આપ પાર્ટી આદિવાસી મતદારોના સહારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશવા માગે છે, હવે આ બંને પાર્ટીઓના ખેલમાં સૌથી વધારે નુકશાન તો કોંગ્રેસને થવાનું છે.
રાજ્યમાં આ સિવાય શરદ પવારની પાર્ટી NCP ના બે ધારાસભ્યો હાલ જીતેલા છે, જેમાં પોરબંદરથી NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપ સાથે જોડાશે તેવી અટકળો વહેતી થયેલી, ગુજરાતમાં આ સિવાય સેંકડો રાજનૈતિક પાર્ટીઓ છે, પણ તે દરેક પાર્ટીઓની રાજ્યમાં એકપણ બેઠક પર કોઈ પકડ નથી.
જયારે વાત રહી કોંગ્રેસની તો ગુજરાત કોંગ્રેસ પોતાની પાર્ટીની અંદરના નેતાઓને મનાવવા-બનાવવામાં જ ચુંટણી સમય લાવી દે તો નવાઈ નહિ, આવા સમયે ભરતસિંહ સોલંકી દરેક પાર્ટીઓને એકઠી કરીનેે ભાજપ સામે લડવા કઈ રીતે માંગતા હશે તેવું તો તે જ જાણે.
ભરતસિંહ સોલંકીની તેમની જ પાર્ટીના મોટા નેતાઓ સાથેની અણબન છેલ્લા કેટલાય સમયથી દેખાઈ આવે છે, ચુંટણીનો સમય છે, કોઈ એક પાર્ટીના મોટા નેતા તરીકે મીડિયામાં કવરેજ ના મળે ત્યારે એકલા પડ્યાનો ભાવ પેદા થાય, અને એટલે જ બની શકે કે મીડિયા સમક્ષ કોઈને કોઈ રીતે હાજર રહીને હજી હું પણ મેદાનમાં છું તેવું દર્શાવવાના પ્રયાસો થતાં હોય.