• ઉત્તર ગુજરાતમાં આદિવાસી સમાજનું કોંગ્રેસમાંથી પ્રતિનિધિત્વ કરતા હતાં અશ્વિન કોટવાલ.
• ભાજપને સારા માણસોની જરૂર! તેથી ભાજપમાં જોડાયો છું.
• કોંગ્રેસે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના હવે થોડા જ મહિનાઓ બાકી છે તેવામાં અલગ અલગ રાજકીય પક્ષોમાંથી નેતાઓ ‘આ પાર પેલે પાર’ જઈ રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના નેતા અને ખેડબ્રમ્હાના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ઢોલ નગારા સાથેે ભાજપમાં જોડાઈ ગયા.
ચુંટણીનો સમય છે, રાજકીય નેતાઓ પોતાનો સ્વર્થ-નિઃસ્વાર્થ, આશા-અપેક્ષા, ન્યાય-અન્યાયની વાતો સાથે પક્ષપલટા કરી રહ્યા છે.
આજે ભાજપ મુખ્યાલય કમલમ ખાતે કેસરી ટોપી પહેર્યા બાદ અશ્વિન કોટવાલે ભાજપના ખૂબ વખાણ કર્યાં, તેમને કહ્યું કે, હું તો 2007માં જ ભાજપમાં જોડાઈ જવાનો હતો, પણ સમય હવે આવ્યો છે.
ઉપરાંત અશ્વિન કોટવાલ કહે છે કે, ભાજપે આદિવાસી સમાજનો ખૂબ વિકાસ કર્યો છે, નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજમાં રહીને તેમની વેદના સમજી છે… ખેર વખાણની વાતો તો હવે થવાની જ.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું શું કારણ હોઈ શકે?
નોંધનીય છે કે હાલમાં વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સમાજમથી આવે છે, બની શકે કે આ પદ અશ્વિન કોટવાલ મેળવવા માગતા હોય અને કોંગ્રેસે તેમને વિપક્ષ નેતા ન બનાવ્યા, જેની નારાજગી હોય શકે.
કોંગ્રેસને શું ફરક પડી શકે છે.
ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3 ટર્મથી જીતતી આવી છે, અશ્વિન કોટવાલ ઉત્તર ગુજરાતમાં આદિવાસી સમાજનું નેતૃત્વ કરે છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને ચુંટણી વખતે થતો આવ્યો હતો.
હવે જ્યારે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં આદિવાસી સમાજને પોતાના કરી રાખવા માટે મુશ્કેલી પડશે.
ઉપરાંત ચુંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી નડતરરૂપ સાબિત થશે.