રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ યોજાય તે પહેલાં આ વખતે રાજકારણ વહેલું ગરમાવો બતાવવા માંડ્યું છે.
રાજ્યમાં ભાજપા પોતાના સંગઠનના જોરે 150 સીટોનો ટાર્ગેટ લઈ રહી છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ પોતાના સંગઠનમાં ઊભા થતાં અગનગોળાઓ માંથી બહાર નીકળે ત્યારે ગણાય… અને આવા સમયે કોંગ્રેસ ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલની આશાએ સત્તા પર બેસવાના અભરખા સેવી રહી છે.
છેલ્લા બે મહિનાઓથી કોંગ્રેસના હાઇકમાનથી લઈને પ્રદેશના તમામ મોટા નેતાઓ નરેશ પટેલને વિનવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના નેતૃત્વ એ હંમેશા એક નિશ્ચિત અંતર રાખીને નરેશ પટેલ માટે આવકાર આપ્યો છે, પણ અહી નરેશ પટેલ છે જે હજી સુધી મગનું નામ મરી પાડતા નથી, અને રોજ રોજ અવનવા સમાચારો, અટકળો, અફવાઓ આવતી જ રહે છે.
ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું ધાર્મિક સ્થાન છે, પણ છેલ્લા કેટલાય સમયથી આ સ્થાન ગુજરાતનું રાજનીતિ નું સેન્ટર બન્યું હોય તેમ દેખાય છે.
નરેશ પટેલને પાટીદાર સમાજના મોટા ઉદ્યોગપતિઓમાં ગણી શકાય, જેથી તેમને પૈસેટકે તો રાજકારણની કોઈ જરૂર નથી તે સમજાય, ખોડલધામ બનાવવાનો વિચાર, તેનું નિર્માણ સહિતના પાટીદાર સમાજના કામોથી નરેશ પટેલ સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
નરેશ પટેલે જ્યારથી રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા દર્શાવી છે ત્યારથી તેઓ દરેક પાર્ટીઓમાં સ્પર્કમાં રહ્યાં છે, ક્યારેક ભાજપા પ્રમુખ CR પાટીલ હોય કે કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ક્યારેક તેઓ આપ પાર્ટીના નેતાઓને મળે છે, ક્યારેક OBC સમાજના નેતાએ તો ક્યારેક ભરતસિંહ સોલંકી હોય… ક્યારેક દિલ્હી જાય, ક્યારેક પ્રશાંત કિશોર ની વાત આવે… વિગેરે સમાચારો આવતા રહ્યાં છે.
નરેશ પટેલના આ બધા જ ખેલમાં ભય તો હવે ત્યાં સુધી દેખાય છે કે ક્યાંક આ ખેલમાં રાજકારણીઓ નરેશ પટેલનો જ ખેલ ના કરી જાય.
નરેશ પટેલના કહેવા પ્રમાણે હાલમાં તેઓ કન્ફયુઝ છે અને એટલે જ તેઓ ગભરાહટમાં પણ હોય તેવું દેખાય છે, કોંગ્રેસના દિલ્હીના નેતાઓથી લઈને પ્રદેશના નેતાઓને અનેક વાર મળી ચૂક્યા છે, વાટાઘાટો, આપ લે, જેવી તમામ બાબતોની વાતો થઈ છે, તો સામે પક્ષે ભાજપના ટોચના નેતાઓ અને પ્રદેશના નેતાઓ સાથે પણ બેઠકો કરી ચૂક્યા છે, ત્યાં પણ વાટાઘાટો થઈ છે… પણ છતાં નરેશ પટેલ ઢચું પચુ કેમ છે તે સમજતું નથી.
હાલમાં જે વાતો છે તે પ્રમાણે નરેશ પટેલ આવતા થોડા જ દિવસોમાં જાહેર કરશે… જોકે હવે તો કરવું જ પડશે, કે ભાઈ કઈ પાર્ટી સાથે જોડાવું છે.
આ તમામ સમાચારો, અટકળો, અફવાઓના લીધે સૌથી વધારે નુકશાન ખુદ નરેશ પટેલને જ થઈ રહ્યું છે, ખૂબ માનભેરવાળા નરેશ પટેલનું નામ જ્યારથી રાજકરણ સાથે જોડાયું ત્યારથી પટેલ સમાજના જ અનેક લોકો નિરાશ છે, ઉપરાંત અનેક સમાજના લોકો જે નરેશ પટેલ સાથે લાગણીથી જોડાયેલો છે તે સૌ રાજકારણથી દૂર રહેવા માટેની સલાહો આપતો રહ્યાં છે, બીજીબાજુ આ બધું દૂર બેસીને જોતો, સાંભળતો એક વર્ગ છે જેને રાજકારણ સાથે લઈ ખાસ લેવા દેવા નથી, તે આવા સમાચારોથી આનંદ લઇ રહ્યો છે.
નરેશ પટેલ હજી તો રાજકારણમાં પ્રવેશ્યા પણ નથી અને અત્યારથી જ ગભરાહટમાં હોય તો તેઓ રાજકારણમાં આવીને શું આગેવાની કરવાના, ખરેખર તો ખુદ નરેશ પટેલને પણ નહિ ખબર પડતી હોય કે આ બધું આટલું ચગ્યું ક્યાંથી… મિડિયા પણ છે કે જે નરેશ પટેલની પાછળ પડી ગયું છે… જ્યારે નરેશ પટેલ છે કે માઇન્ડ ગેમ ખેલવામાં ગુંચંવાઈ ગયા છે.
બીજી બાજુ ખોડલધામના અમુક ટ્રસ્ટીઓ છે જે પોતાના સ્વાર્થના રસ્તે વળ્યા હોય તેવું દેખાય છે, અને નરેશ પટેલના આખાય પ્લાનિંગને અંદરથી પછાડવામાં કામે લાગ્યા હોય તેવું જણાય છે.
આ તમામ અટકળો… લાંબા સમયથી ચાલતી વાટાઘાટો અને સમાચારોથી નરેશ પટેલના સપોર્ટરો પણ ધીરે ધીરે તેમનાથી વિમુખ થાય હોય તેવું દેખાય છે.
આ તમામ બાબતો દરમિયાન એટલું તો ચોક્કસ છે કે ભાજપને નરેશ પટેલથી કોઈ ખાસ્સો ફાયદો થવાની નથી… જ્યારે કોંગ્રેસના તમામ પરિબળો જોતા નરેશ પટેલ તેની સાથે જોડાય તો પણ ધારણા પ્રમાણેનું પરિણામ આવે તેવું માનવું ભૂલ છે.
પરિણામે નરેશ પટેલની પોતાની ક્રેડિટ ઘટે છે, જે તેઓ પોતે પણ જાણે છે… અને એટલે જ ક્યારેક તો તે પણ વિચારે ચડ્યા હશે કે આ તમામ બાબતોને લઈને રાજકારણીઓ ક્યાંક મારો જ ખેલ ના કરી જાય.