ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રોજેરોજ રાજકારણના નવા સમાચારો વહેતાં થતાં આવે છે, જેમાં ખાસ કરીને અમુક નેતાઓ ખૂબ જ ચર્ચામાં છે, જેમાંના એક છે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ.
છેલ્લા બે મહિનાથી હાર્દિક પટેલનો દોર શરૂ થયો છે, રોજ રોજ કોઇને કોઇ બાબતે તેઓ સમાચારમાં છવાયા રહે છે.
હાર્દિક પટેલ 2017 ની વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતાં, જેના કારણે ચુંટણી પરિણામોમાં ગુજરાત કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો, હવે ત્યાંથી આજે પાંચ વર્ષ પછી એ જ હાર્દિક પટેલ કોંગ્રેસ સામે બાંયો ચડાવીને ઊભા હોય તેવું દેખાઈ આવે છે.
હાર્દિક પટેલને કોંગ્રેસે આટલું બધું આપ્યું, કૉંગ્રેસમાં જોડાયા પાછી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યાં, એક સમયે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ હાર્દિક પટેલ સામે માનથી બેસતાં.
અને હવે એ જ નેતાઓ અને એ જ હાર્દિક પટેલને એવું શું છે કે રોજ રોજ પોતાની પાર્ટી વિશે નીતનવી વાતો વહેતી કરી રહ્યાં છે.
થોડા દિવસો પહેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે,કોંગ્રેસના અમુક નેતાઓ ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડી દઉં… બીજું કે… પાર્ટીમાં નેતૃત્વ શક્તિનો અભાવ છે… મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો પણ કામ નથી આપતાં… જેવા આરોપો કરીને પોતાની જ પાર્ટી વિરૂદ્ધની વાતો કરેલી.
ક્યારેક વોટ્સએપમાં કેસરી ખેસ પહેરેલો ફોટો મૂકે, ક્યારેક કોઈ પોસ્ટ મૂકે, તો ક્યારેક કોઈ એવી વાત રજૂ કરે જે કોંગ્રેસને ન ગમે, તો સાથેસાથે વચ્ચે ભાજપના અને તેના કામોના વખાણ પણ કરતો જાય.
આ તમામ બાબતો પરથી સામાન્ય લોકો તારણ કાઢી શકે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થશે, પણ હકીકત તો માત્ર હાર્દિક પટેલ જ જાણે.
બની શકે કે હાર્દિક પટેલ રાજયની કોંગ્રેસને પોતાના હાથમાં લેવા માગતા હોય, જે માંગ પૂરી ન થતી હોય… અથવા… નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર નેતા તરીકે કોંગ્રેસમાં હાર્દિકનું જે માન છે તે ઓછું થઈ જાય… કે પછી હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જ જોડાઈને સત્તા ભોગવે.
એક તો ચુંટણીનો સમય… ભાજપની સંપૂર્ણ તૈયારી…જ્યારે કોંગ્રેસમાં એક બીજા નેતાઓમાં જૂથબંધી… અને ઉપરથી હાર્દિક પટેલનું પોતાની પાર્ટી સામે આવું વલણ… અને એ પણ ચુંટણી સમયે.
રાજ્યમાં ભાજપ 27 વર્ષોથી સત્તા ઉપર છે, આવા સમયે ભાજપને ટક્કર આપી ન શકે તો કમસે કમ એક મજબૂત અને સંગઠિત વિપક્ષ તો મળે… આવા વિપક્ષથી લોકોને આશા બંધાયેલી હોય છે, કે જે સમય આવ્યે પ્રજાના હિત માટે સત્તા સામે ઊભું રહે.