હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. હવે આ દિશામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ સત્યમેવ જયતે જનસભાના પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો હટાવ્યો, તો હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવી દીધો છે અને ગુજરાત કોંગ્રેસ છોડવાનો વધુ એક સંકેત આપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વ્હોટ્સએપ ડીપી આજે ચેન્જ કરી નાખ્યું છે, જોકે આ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો નીકળી ગયો છે, પણ ફેસબુક અને ટ્વિટરમાં એ જ પ્રોફાઈલ પિક્ચર છે જે વ્હોટ્સએપમાં હતું. ઈન્સ્ટાગ્રામમાં ફોર્મલ પિક્ચર જ રાખ્યું છે. જાણકારોના મતે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા ત્યારથી તેના વ્હોટ્સએપ નંબરમાં આ કોંગ્રેસના પંજાની નિશાનીવાળું ડીપી હતું અને એમાં લખ્યું હતું કે હું લડીશ અને જીતીશ.