જિજ્ઞેશ મેવાણી… ગુજરાતમાં દલિત યુવા આગેવાનોમાંના એક, પૂર્વ પત્રકાર,cશિક્ષિત યુવાન, અને હક અધિકારના આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ.. અંતે રાજ્યની વિધાનસભામાં દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરનાર નેતા.
ગુજરાતમાં વર્ષ 2015 થી રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો હતો, સમાજના વિવિધ પ્રશ્નોને લઇને પાટીદાર સમાજ હોય, OBC સમાજ હોય કે પછી દલિત સમાજ, દરેક સમાજે પોતાના અધિકારોની માગણી સાથે સરકાર સામે બાથ ભીડી હતી, જેના ફળ સ્વરૂપે રાજ્યની રાજનીતિમાં અનેક એવા યુવા આગેવાનો સમાજની વચ્ચે આવ્યાં જેમણે રાજકારણને અલગ રણનીતિ તરફ ખેંચીને મૂકી દીધું.
દલિત સમાજના અનેક પ્રશ્નોને લઈને જીજ્ઞેશ મેવાણીએ થોડા વર્ષોથી વિવિધ આંદોલન થકી સામાજિક કાર્યોની આગેવાની કરી, ત્યારબાદ એક સામાજિક કાર્યકરથી આગળ વધીને રાજકારણી બન્યા.
વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ વિધાનસભા બેઠક જીતી, આ ચુંટણીમાં તેમણેે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સાથ મળ્યો.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયકુમાર ચક્રવર્તીને 19, 669 મતોથી હરાવીને વડગામથી બેઠક મેળવી.
2016 માં જ્યારે ઉનામાં દલિત સમાજના યુવાનો પર અત્યાચારની ઘટના બનેલી ત્યારે જીજ્ઞેશ મેવાણીએ અમદાવાદથી ઉના સુઘી ‘દલિત અસ્મિતા યાત્રા’ ની આગેવાની લીધી હતી, આ સમગ્ર યાત્રામાં વિશ હજારથી વધુ લોકો જોડાયા હતાં, પરિણામે સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશના મીડિયા સામે તેમનો ચહેરો ધ્યાને આવ્યો.
આ સમગ્ર ઘટનાના માત્ર એક વર્ષ બાદ જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હતી, તેવા સમયે તેમણે ઉત્તર ગુજરાતના વડગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, જેમાં વિજયી થઈને ધારાસભ્ય બન્યા.
ત્યારબાદ જીજ્ઞેશ મેવાણી દ્વારા ‘દલિત અધિકાર મંચ’ નામના સંગઠનની સ્થાપના કરાઈ, જેનો સમગ્ર રાજ્યમાં પ્રસાર થયો છે, આ સંગઠન સમયે સમયે દલિત સમાજની માગણીઓને લઈને અવાજ ઉઠાવતું રહે છે.
ભાજપ હોય કે RSS બંને સંગઠનો પર વિશેષ રીતે તેઓ અવાર નવાર ટિપ્પણીઓ કરતા આવ્યા છે, જેના કારણે તેઓ અનેક વાર મુશ્કેલીઓમાં પણ મુકાયા છે. છેલ્લે આસામ પોલીસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલા એક ટ્વીટના કારણે તેમની ધરપકડ કરવામાં આવેલી, જેમાંથી આજે તેમનો છુટકારો થયો છે.
પહેલા વકીલ, ત્યારબાદ પત્રકાર અને અનેક સંગઠનો સાથે કામ કરી ચૂકેલા જીજ્ઞેશ મેવાણી રાજનીતિમાં પણ સફળ રહ્યાં છે, આગામી ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફરી પાછા ઉમેદવારી નોંધાવશે, તેવા સમયે અત્યારથી જ શરૂ થયેલા રાજકારણમાં શું શું વળાંકો આવે છે તે જોવું રહ્યું.