રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં પ્રવેશી ચૂક્યા છે ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી આ તૈયારીમાં સૌથી આગળ જોવા મળી રહી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ, આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીમંડળના નેતાઓએ ગુજરાત તરફ મીટ માંડી છે, તેવામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી ગયા.
રાજ્યમાં વહેલી ચુંટણીઓ યોજાય કે ના યોજાય પણ ભાજપા જે રીતે તૈયારીઓ કરી રહી છે તે જોતાં ગમે ત્યારે ચુંટણી આવે તેઓ તૈયારીમાં ઊભા હોય તેવું દેખાઈ આવે છે, માત્ર એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને શું મંત્ર આપતા ગયા હશે તે ચોક્કસ સવાલ થાય.
અમદાવાદ એરપોર્ટ પર થયેલા સ્વાગતની ઔપચારિકતાથી લઈને કોબા ખાતે આવેલા મુખ્યાલય કમલમમાં મુખ્યમંત્રી અને પાર્ટીના હોદ્દેદારો સાથેની બેઠક અને અંતે તમામ નાના મોટા કાર્યકર્તાઓ સાથેની મુલાકાતમાં જેપી નડ્ડા ગુજરાત ભાજપને મજબૂતી આપીને દિલ્હી રવાના થયા.
ઉલ્લેખનીય છે કે યોજાતી દરેક ચુંટણીઓ અલગ અલગ પાર્ટીઓ તેમના કાર્યકર્તાઓના જોરે જ લડતી હોય છે, અને આ જ કાર્યકર્તાઓનું ચુંટણી સમયે દેખાતું મનોબળ જ પોતાના તરફી પરિણામો લાવતું હોય છે.
ભાજપની હંમેશા એવી રણનીતિ રહી છે કે નાનામાં નાના કાર્યકર્તાઓને કોઈને કોઈ રીતે કામોમાં વ્યસ્ત રાખવામાં આવે, જેના પરિણામે તેમનું મનોબળ હંમેશા ઊંચું આવતું હોય છે.
ભાજપા ગુજરાતમાં 27 વર્ષોથી સત્તા પર છે, જેથી કાર્યકર્તાઓની હકારાત્મકતા હંમેશા ઊંચી દિશામાં જ રહેતી હોય છે, પરિણામે દરેક ચુંટણીઓમાં ભાજપ કાર્યકર્તાઓ ઉત્સાહી જોવા મળે છે.
બીજી બાજુ ભાજપે છેલ્લા કેટલાય મહિનાઓથી ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને એટલે જ હાલમાં પ્રદેશથી લઈને છેક બુથલેવલ સુધી કાર્યકરો સક્રિય ભૂમિકામાં આવી ચૂક્યા છે, ચુંટણી સમયે રાજ્યમાં અનેક કાર્યક્રમો ગોઠવી દેવાયા છે, જેમાં નાના મોટા દરેક કાર્યકરો હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે.
અને એટલે જ ક્યારેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, ક્યારેક અમિત શાહ તો ક્યારેક ભાજપા પ્રમુખ જેપી નડ્ડા… આ તમામ નેતાઓની ગુજરાતમાં ઉપસ્થિતિ કાર્યકરોને હંમેશા હોશમાં રાખતી હોય છે.