આગામી વિધાનસભા ચૂંટણીન ધ્યાનેે લઈને રાજ્યમાં દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં શક્ય તેટલી સીટો મેળવવા માટે પુરજોશમાં મહેનત થઈ રહી છે, જેની રણનીતિના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન થયું છે, અને આ સાથે આગામી ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે.
જાહેરાત બાદ BTP નેતા મહેશ વસાવાએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારેે સામે પક્ષે AAPનું કામ જોઈને જોડાયા હોવાની વાત કરી હતી.
તો આ સાથે જ ગુજરાતના સ્થાપના દિવસે અમે નવા ગુજરાતનું મોડલ આપીશું… કહીને આવતી 1લી તારીખે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દક્ષિણ ગુજરાતમાં ચુંટણી સભાની જાહેરાત કરી હતી.
પણ ખરેખર ગુજરાતી તરીકે ગુજરાતમાંથી જ જન્મેલી આ BTP પાર્ટી શું છે, તેનો રાજકીય અને સામાજિક પ્રભાવ કેવો તે જાણવું જરૂરી છે.
BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) મુખ્યરીતે આદિવાસી સમુદાયના હિતોની વાત કરે છે, વર્ષ 2017 ની વિધાનસભા ચુંટણીના ફક્ત 1 મહિના પહેલા જઘડિય ના ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુભાઈ વસાવા દ્વારા BTPની સ્થાપના કરાયેલી, ચુંટણી બાદ જઘડિયા અને દેડીયાપાડા એમ બંને બેઠકો પર BTP વિજયી થઈને વિધાનસભામાંં એન્ટ્રી કરી હતી.
BTP ને સમજવા માટે તેના સ્થાપક છોટુભાઈ વસાવાને સમજવા પડે.
છોટુભાઈ વસાવા, આદિવાસી સમાજના કદાવર નેતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અનેક બેઠકો પર તેમના નામનું પ્રભુત્વ, વર્ષ 1945 માં જન્મેલા છોટુભાઈ વસાવા 1990થી રાજનીતિમાં સક્રિય છે, વર્ષ 1990માં તેઓ જનતા દળ માંથી પેલી વખત ચુંટણી જીતેલા, ત્યારથી લઈને આજ સુધી તેઓ ધારાસભ્ય છે.
ત્યારબાદ વર્ષ 2002 થી 2017 દરમિયાન તેઓ નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનિયનમાંથી ધારાસભાની ચુંટણી જીતતા આવેલા, જ્યારે 2017 માં JDU એ ભાજપ સાથે ગઠબંધન કરેલું ત્યારે રાજ્યમાં વિધાનસભા ચુંટણીના થોડા દિવસો પહેલા જ તેમણે રાજીનામું આપીને પોતાની નવી પાર્ટી BTP ની સ્થાપના કરી હતી.
છોટુભાઈ વસાવાની BTP પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી હોવાના અનેકવાર આરોપો લાગતા આવ્યા છે.
પાર્ટીની સ્થાપના બાદ રાજ્યમાં અત્યાર સુધી છોટુભાઈ વસાવાના પોતાના પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ પણ ઉમેદવાર જીત્યા નથી,
ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ BTP પાર્ટીના બે નેતાઓએ ધારાસભાની ચુંટણી જીતી છે.
રાજ્યમાં જઘડિયા, દેડીયાપાડા સહિત અનેક બેઠકો ઉપર આદિવાસી સમાજના મતોનું ધ્રુવીકરણ BTP દ્વારા થતું આવ્યું છે.
BTP દ્વારા આજે જ્યારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે તે પહેલાં AIMIM પાર્ટી સાથેના ગઠબંધનની વાતો ચાલતી હતી, જે મેળ ન બેસતા AAP સાથે ચુંટણી લડવાની જાહેરાત થઈ છે.
એક વાત તો નક્કી છે કે BTP આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો પણ દબદબો રાખે છે, તો સામે આમ આદમી પાર્ટી કોઈને કોઈ રીતે કોંગ્રેસને પાછળ છોડીને સત્તાધારી ભાજપની સામે આવવા માગે છે, આવા સમયે BTP જેવી નાની પાર્ટીઓને સાથે લઈને AAP દ્વારા મોટી રણનીતિ ખેલાઈ છે.