ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર કર્યુ છે.
જેના અનુસંધાને દિલ્હીથી એક પછી એક નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે.
ખાસ કરીને મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી લેવાના મૂડમાં છે.
છેલ્લા 27 વર્ષોથી સત્તાધારી ભાજપ વિધાનસભાની આગામી ચુંટણીમાં કોઇપણ ભોગે 140 થી વધુ બેઠકો જીતવા માંગે છે. હવે દર મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ગુજરાત પ્રવાસ યોજાશે તે ફાઇનલ મનાઇ રહ્યું છે. આ ઉપરાંત દર સપ્તાહે અલગ અલગ વિભાગના કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવશે. સંગઠનને પણ ચુંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવા આડકતરી તાકીદ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડિયે રાજ્યમાં આવી રહ્યા છે, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એક પછી એક કાર્યક્રમોની રૂપરેખા પાર્ટી કાર્યકર્તાઓ સામે રાખી રહ્યાં છે, ભાજપ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક જેવા દરેક કાર્યક્રમોમાં કોઈને કોઈ રીતે લોકસંપર્ક કરી રહી છે.
બીજી બાજુ કોંગ્રેસ પણ પાછળ નથી, આ જ અઠવાડિયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યાં છે, ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે દાહોદમાં કાર્યક્રમ કરશે, ત્યારબાદ અન્ય મુલાકાતોમાં દક્ષિણ ગુજરાતમાં પણ તેઓ જશે તેવા સમાચારો છે.
પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અલગ અલગ રીતે સામાજિક ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં સક્રિય રીતે શામેલ થઈ રહ્યાં છે.
જ્યારે આમ આદમી પાર્ટી કોઈ પણ રીતે લડી લેવાના મૂડમાં છે, આપ પાર્ટીએ રાજ્યમાં આદિવાસી સમાજની BTP પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે, લગભગ દરેક જિલ્લાઓમાં કોઈને કોઈ રીતે પ્રચાર શરૂ થયો છે, જ્યારે આ જ અઠવાડિયે રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવે છે, તેઓ સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે તેવી શક્યતા છે. યોગાનુયોગ 1 લી મેના રોજ ગુજરાતનો છે સ્થાપના દિવસ પણ છે, માટે શક્ય છે કે રાજ્યના મતદારો માટે ઈમોશનલ જોડાણ માટેના પ્રયાસો થશે.
આ દરેક રાજનૈતિક ગતિવિધિઓ વચ્ચે એવી પણ અટકળો છે કે રાજ્યમાં ડિસેમ્બરને બદલે આવતા 3 મહિનાની અંદર જ ચુંટણી થઈ જાય, આ વાતવાતને વધુ બળ ત્યારે મળે છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં અત્યારથી જ નેતાઓ અને પરથી ગતિશીલ થઈ છે.