દેશમાં આઝાદી પહેલા હોય કે આઝાદી પછી તંત્રની અમુક નીતિઓ સામે અવાજ બુલંદ કરીને અન્યાય સામે લડાઇ માટેના આંદોલનો નો લાંબો ઇતિહાસ રહ્યો છે.
ગુજરાતમાં ખાસ કરીને આઝાદી પછીની વાત કરીએ તો આજ સુધીનું સૌથી મોટું આંદોલન મહાગુજરાત આંદોલન થયેલું, જેમાં રાજ્યની સરકાર સહિત દેશની સરકારને પણ ગુજરાતની પ્રજા સામે ઝુકવું પડેલું.
વર્ષ 2015 માં જ્યારે પાટીદાર સમાજ અનામતની માંગણીઓ સાથે આંદોલનના રસ્તે ઉતર્યો, તે સમયે રાજ્યના ખૂણે ખૂણે પાટીદાર સમાજના ખાસ કરીને યુવાવર્ગ રસ્તા પર ઉતરી આવેલો, માહોલ એવો સર્જાયેલો કે ગુજરાતની યુવા પેઢીએ તંત્ર સામે આંદોલન શું હોય તેનો ચિતાર મેળવ્યો હતો.
પાટીદાર આંદોલનથી સમાજના અનેક યુવાનો ઉભર્યા, જેમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાના યુવાન હાર્દિક પટેલની પાટીદાર સમાજને આંદોલનની અપીલ, અને સરકાર સામે તેનો લડાયક જુસ્સો સૌને પસંદ આવ્યો, પરિણામે મુખ્ય આંદોલનકારી તરીકે હાર્દિક પટેલ ઉભરી આવ્યો.
આંદોલન સમયે પાટીદાર સમાજ જે રીતે એક થઈને લડ્યો તે ઇતિહાસમાં લખાયેલું રહેશે, અંતે સરકારે સામાન્ય કેટેગરીના સમાજ માટે અનામત જાહેર પણ કર્યું, પણ ત્યારપછી આવા આગેવાનોમાં જે રીતે નવો વળાંક આવ્યો તે ખરેખર વિચાર કરી મૂકે તેવો છે.
હાર્દિક પટેલ માર્ગ ચૂક્યો?
પાટીદાર આંદોલન શરૂ હતું તે દરમિયાન તેનું રાજકીયકરણ ન થાય તેનું આંદોલનકારીઓએ પૂરું ધ્યાન રાખેલું, પણ આંદોલનના અંતે મુખ્ય ચહેરાઓ જે રીતે એક પછી એક રાજકીય પાર્ટીઓ સાથે જોડાયા ત્યારે સામાન્ય લોકોના મનમાં કોઈને કોઈ રીતે શંકાની વાસ ઊભી થઈ.
વર્ષ 2017 ની વિધાનસભાની ચુંટણીઓ પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો, નિયમ પ્રમાણે હાર્દિક પટેલના 25 વર્ષ પૂરા ન હોવાથી તે ચુંટણી તો ન લડી શક્યો પણ રાજ્યમાં ઠેકઠેકાણે તેણે ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો, જેની અસર ચુંટણી પરિણામ વખતે દેખાયેલી.
આંદોલનકારી માટ માત્રે ન્યાય અન્યાયની ભેદરેખા હોય, સત્ય બોલવા માત્રથી આંદોલનકારી ન થઈ જવાય, વર્તનમાં પણ સત્ય હોવું જરૂરી છે, જાણે એક પ્રકારે બદલાની ભાવના હોય તેમ હાર્દિક અને કંપની ભાજપ વિરૂદ્ધ ઊભી રહી.
હાર્દિક પટેલ ત્યારે તો ચુંટણી લડી શકે તેમ ન હતો, પણ મનમાં નેતાગીરી સવાર થઈ ગઈ હતી, જે હવે એક એક કરીને રોજ દેખાઈ આવે છે.
છેલ્લા કેટલાય સમયથી જે રીતે હાર્દિક પટેલ ચુંટણી પહેલા પોતાની નેતાગીરી ચમકાવવા માટે તલપાપડ છે તે જોઈને લોકોની શંકા વધી છે, કે શું આંદોલન માત્ર રાજકારણમાં આવીને નેતા બનવાની તૈયારી હતી?
કારણ કે ત્યારબાદ પોતાના સમાજ વિશે કોઈ વાત નથી, નથી સામાન્ય જનતાના કોઈ સવાલો, માત્ર પોતે ક્યાં ફીટ બેસે છે તેને ગોઠવવામાં વ્યસ્ત રહ્યા હોય તેવું દેખાઈ આવે છે.
આંદોલનમાં તો સમગ્ર પાટીદાર સમાજે ભાગ લીધેલો, જેના ફળસ્વરૂપે આ આંદોલન સફળ થયેલું, હવે હાર્દિક પટેલ જેવા નેતાઓ પોતાના પાટીદાર સમાજની ઉપર જઈને વર્તન કરવા લાગ્યા છે, બોલી-વર્તનમાં સુર બદલાયા છે, સમાજની વાતો કરનાર હવે ચુંટણીની વાતો કરે છે, કોણ આવશે, કોણ જશે, કોનું માનીશ, કોનું નહિ માનું, આ પ્રકારનું વર્તન મોટા નેતા બનવાના અભરખા સિવાય બીજું કશું નથી.
હું ચુંટણી લડવાનો છું, અહીથી લડીશ, ત્યાંથી લડીશ, મારી સાથે આ હશે, તે હશે, મારું આમ થાય છે, તેમ થાય છે….. સમાજની વાતો કરનારો આજે પોતાની વાતો કરવા લાગ્યો છે.
છેલ્લે જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે, હવે હાર્દિકભાઈને અત્યાર સુધી તો ભાજપ સામે જોવાથી પણ વેર હતું, અને ચુંટણી સમયે તને ભાજપ વ્હાલું લાગે, હિન્દુ સમાજ યાદ આવે, જે પાર્ટીએ તને સાચવ્યો તેની સામે બળવો કરવાની સૂઝે… આ તમામ પ્રકારની વાતો, વર્તનો સ્વાર્થીપણાં સિવાય કશું જ દેખાડતું નથી.
સમય બદલાતા અહીંના લોકો પણ બદલાયા છે, લોકો સુવિધાઓ ઈચ્છે છે, સારું ચાલતું તંત્ર ઈચ્છે છે, આ પ્રકારના નેતાઓની માનસિકતા અત્યારનો સમાજ વર્તી રહ્યો છે, લોકોમાં શિક્ષણ છે, તર્ક કરવાની શક્તિ છે, અને આવા લોકોના તર્કો સામે પોતાનો સામાન્ય સમજણનો તર્ક ચલાવીને ઠુકરાવવાની તાકાત ધરાવે છે.