ગુજરાતની રાજનીતિમાં વર્ષોથી બે પાર્ટી સિસ્ટમ ચાલી આવી છે, વર્ષોથી ભાજપા સત્તા પર બેસેલી છે, જ્યારે કોંગ્રેસ દરેક ચુંટણીઓમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાના પડકારો ફેંકતી રહી છે.
સત્તાધારી ભાજપે ગયા વર્ષે મુખ્યમંત્રી સહિત આખે આખી કેબિનેટ બદલીને યુવા મંત્રીમંડળ લોકો સમક્ષ મૂક્યું છે, જ્યારે સંગઠનમાં પણ અનેક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે,
બીજું બાજુ કોંગ્રેસે હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી, જગદીશભાઈ ઠાકોર સહિતના યુવા નેતાઓને આગળ લાવીને પરિવર્તન થકી ચુંટણી લડવા માટેની તૈયારી શરૂ કરી છે.
તો આ સાથે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પ્રચંડ જીત પછી ગુજરાતમાં આક્રમકતા સાથે મંડાણ માંડ્યું છે.
હવે આ તમામ રાજકીય પાર્ટીઓને હજુ એવા નવા ચહેરાઓને જરૂર છે જે તેમને સત્તાની ગાદી પર બેસાડી શકે, આ માટે છેલ્લા કેટલાય સમયથી સૌથી વધારે ચર્ચામાં અને ડિમાન્ડમાં નામ રહ્યું હોય તો તે છે નરેશ પટેલનું.
ગુજરાતમાં 182 માંથી લગભગ 50 થી પણ વધારે વિધાનસભા સીટો પર પાટીદારોનું પ્રભુત્વ છે, જ્યાં પાટીદાર મતદારો હાર જીતનો ફેંસલો કરતા હોય છે, લગભગ 6 કરોડ ગુજરાતીઓમાં 16 ટકા જેટલી માત્ર પાટીદાર લોકોની વસ્તી છે.
છેલ્લા 25 વર્ષોમાં કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી સુધીના નેતાઓને વિજય અપાવવામાં પાટીદાર લોકોનો સૌથી મોટો ફાળો રહ્યો છે.
52 વર્ષના નરેશ પટેલ પાટીદાર સમાજના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમના દ્વારા રાજકોટ પાસે આવેલા ખોડલધામના સ્થાપના થકી તેઓ પાટીદાર સમાજમાં ખૂબ લોકપ્રિય થયા છે.
હવે વાત રહી નરેશ પટેલની, તો તેઓએ હાલ સુધી તો રાજનીતિ માટેનું એક પણ પત્તું ખોલ્યું નથી,
ક્યારેક તેઓ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે સંપર્કમાં હોવાનું સામે આવે છે, તો ક્યારેક ભાજપના નેતાઓ સાથેની બેઠકોમાં પણ જોવામાં આવ્યા છે,
આ ઉપરાંત ગુજરાતમાં પ્રવેશ કરી રહેલી અને મુખ્ય બંને પાર્ટીઓને સીધે સીધો પડકાર ફેંકનારા આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના સંપર્કમાં પણ હોવાનું સામે આવે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના મતદારોની વાત કરવામાં આવે તો 11 જિલ્લાઓની અનેક સીટો પર પાટીદાર સમાજના મતોથી હાર જીત નક્કી થતી હોય છે, આ ઉપરાંત સુરત જિલ્લાની અને અમદાવાદની બેઠકો પર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે.
ચુંટણીમાં બેઠકોના આ જ રાજનૈતિક ગણિતના કારણે રાજ્યની દરેક પાર્ટીઓ આજકાલ નરેશ પટેલ પર આખો માંડીને બેઠી રહી છે, અને સૌ કોઈ ઈચ્છે છે કે નરેશ પટેલ તેમની સાથે રાજનીતિમાં સક્રિય થાય.
પણ સામે નરેશ પટેલ છે જેમને આજ સુધી પોતાના રાજનૈતિક પત્તાઓ ફેંકયા નથી, અને સમાચારોમાં રોજ રોજ અવનવા લેખોથી સેલિબ્રિટીની જેમ ચર્ચાઓમાં રહે છે.
હવે જોવાનું રહેશે કે આવતા થોડા દિવસોમાં જ્યારે નરેશ પટેલ પોતાના પત્તા ખોલશે ત્યારે ગુજરાતના રાજકારણમાં કેટલી તીવ્રતાથી આંચકાઓ અનુભવાય છે.