મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંથી એક છે. હિન્દુ ભક્તો દ્વારા ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ શિવજીની રાત થાય છે. જે દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા તે દિવસને શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર મહા મહિનાના કૃષ્ણપક્ષની તેરસ ના રોજ આ પર્વની ઉજવણી થાય છે. શિવરાત્રીના રોજ ભક્તો ખાસ ઉપવાસ રાખે છે અને શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાની પણ એક માન્યતા છે. આ દિવસે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી તેમના માતા-પિતા શિવ-પાર્વતીનો મહિમા ગાય છે.
આ વર્ષે 2022માં મહાશિવરાત્રીના દિવસે પંચગ્રહી યોગ પણ બની રહ્યો છે. આવી સ્થિતિમાં મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને બુધ ગ્રહો આ ખાસ દિવસે મકર રાશિમાં એકસાથે હાજર રહી પંચગ્રહી યોગ રચવાના છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે મહાશિવરાત્રી 2022
એવું માનવામાં આવે છે કે આ વર્ષે 2022માં મહાશિવરાત્રિ 01 માર્ચની સવારે 03:16થી શરૂ થઈ રહી છે, જે બપોરે 01:00 સુધી છે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. મહાશિવરાત્રી પર પરિઘ યોગ છે જે 11.18 મિનિટ સુધી ચાલવાનો છે. આ પછી શિવયોગ શરૂ થવા જઈ રહ્યો છે, જે 02 માર્ચે સવારે 08.21 વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે જો તમે તમારા શત્રુઓને પરિઘ યોગમાં હરાવવા માંગો છો તો તમે પૂજા કરીને સફળ થઈ શકો છો. જ્યારે શિવ યોગ માંગલિક કાર્યો માટે સારો યોગ છે. આ યોગમાં તમે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો.
મહાશિવરાત્રીના રોજ ભુલથી પણ ઉપવાસ કરવામાં આવે તો તેનું ખૂબ જ મોટુ પુણ્ય મળે છે. તેનાથી ભક્તોને ખૂબ મોટો લાભ થાય છે. એવું કહેવાય છે કે એક વખત એક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. જંગલમાં તે બિલ્વપત્રના વૃક્ષ પર જઈને બેઠો બેઠો શિકારની રાહ જોતો હતો. તેને ખબર નહોતી કે વૃક્ષની નીચે જ ભગવાન શિવનું લિંગ સ્થાપિત કરેલું છે અને તે દિવસે મહાશિવરાત્રીનું પર્વ હતું. શિકારી પોતાનો સમય પસાર કરવા માટે એકપછી એક પાન તોડતો ગયો અને તે પાન શિવલિંગ પર પડતા ગયા. દિવસના પહેલા પહોરમાં એક હરણ પાણી પીવા આવ્યું અને શિકારીએ તીર ચડાવ્યું કે તુરંત હરણે તેના બચ્ચાનું નામ આપીને શિકાર કરવાની ના પાડી. શિકારી તેની વાત માની ગયો અને શિકાર ન કર્યો. ઝાડ પર બેઠા બેઠા ભુખ્યા પેટે તે બિલ્વપત્ર તોડતો ગયો અને શિવજીને તે પત્ર ચડતા ગયા. આખો દિવસ પસાર થયો તો શિવજી પ્રસન્ન થયા અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ.
શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં જણાવ્યા અનુસાર પૂજા અર્ચના નું મહત્વ
મહાશિવરાત્રીના દિવસે ભક્તો સવારથી ઉપવાસ કરે છે અને શિવ સ્મરણ કરે છે. આ દિવસે કેટલાક ભક્તો નકોરડા અને નિર્જળા ઉપવાસ પણ કરે છે. શિવની કૃપાથી દુઃખ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કુંવારી કન્યાઓ ઉત્તમ પતિની પ્રાપ્તિ માટે પણ શિવની આરાધાન કરે છે.
આ દિવસે શિવજીની પૂજા-અર્ચના કરવા માટે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શિવાલયમાં જવું અને શિવલિંગ પર દૂધ, મધ, જળ વગેરેનો અભિષેક કરવો. આ ઉપરાંત શિવજીના મંત્રનો જાપ કરતા કરતા તેમને બિલ્વપત્ર પણ અર્પણ કરવા. આ દિવસે ‘ૐ નમઃ શિવાય’ મંત્રના મહત્તમ જાપ કરવા અને બીજા દિવસે પારણા કરવા.
મહાશિવરાત્રીના રોજ કયા સમયે ભગવાન શિવને શું અર્પણ કરશો?
પ્રથમ પ્રહર : તલ, જવ,કમળ, બિલ્વપત્ર
બીજો પ્રહર : બીજોરુ, લીંબુ, ખીર
ત્રીજો પ્રહર : તલ, લોટ, માલપુવા, દાડમ, કપૂર
ચોથો પ્રહર : અડદ, જવ, મગ, શંખીપુષ્પ, બિલ્વપત્ર
શિવ આરાધનાથી શું લાભ થાય છે?
શિવજીને અભિષેક કરવાથી આત્મશુદ્ધિ થાય છે.
શિવજીને ગંઘના સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
શિવજીને નૈવેધ ધરાવાથી આયુષ્ય વધે છે અને તૃપ્તિ થાય છે.
શિવજી આગળ દીપક પ્રગટાવવાથી જ્ઞાનનો ઉદય થાય છે.
શિવજીને તાંબુલ ધરાવવાથી ભોગની ઉપલબ્ધિ થાય છે.
શિવજીને દૂધનો અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
શિવજીને દહીંનો અભિષેક કરવાથી વાહનસુખ અને પશુધન વધે છે.
શિવજીને મધ-ઘી- શેરડીનો અભિષેક કરવાથી લક્ષ્મી અને ધન સુખ વધે છે.
શિવજીને ર્દભના જલથી અભિષેક કરવાથી વ્યાધિની નિવૃત્તિ થાય છે.
શિવજીને ગંગાજળથી સ્નાન કરાવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
શિવજીને ભાંગ ચઢાવવાથી વિજયની પ્રાપ્તિ થાય છે અને ઈચ્છીત મનોકામના પૂર્ણ થાય છે.
જો શિવાલયમાં જઈને ભગવાન શિવની સમક્ષ બેઠા બેઠા શાંત ચિત્તે શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ સ્તુતિ, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત માત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવામાં આવે તો શિવની પરમ કૃપાના આપ હકદાર બનો છો.