રાજકોટ જિલ્લામાં છેલ્લા 1 થી 3 વર્ષ દરમિયાન બનાવવામાં આવેલા રોડ તૂટી ગયા છે અને લોકો માં હોબાળો થતાં હવે ગેરંટી આપનાર એજન્સીઓ ને નોટિસ ફટકારવામાં આવી છે અને જો નોટિસ પિરિયડમાં કામ પૂરા નહીં કરવામાં આવે તો બ્લેક લિસ્ટ પણ કરવા સુધી ચીમકી અપાઈ છે.
ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાના પ્રશ્નને લઇ લોકો માં ફરિયાદો ઉઠવા પામી છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2017થી વર્ષ 2021ના અંત સુધીમાં બનાવવામાં આવેલા ગેરંટી પિરિયડવાળા કુલ 182 જેટલા રસ્તામાં 769.5 કિમીના 3થી 5 વર્ષના ગેરંટી વાળા રસ્તા તૂટી ગયા છે. જેમાં જસદણ, ગોંડલ અને રાજકોટ તાલુકામાં રસ્તાની હાલત સૌથી વધુ ખરાબ છે.
સામાન્ય રીતે ગેરંટી પિરિયડવાળા રસ્તાના ભાવ એજન્સી દ્વારા વધુ લેવામાં આવે છે છતાં કામ ગેરંટી વિનાના રસ્તા જેવું કરવામાં આવતા ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ રહ્યું છે. જેથી કારોબારી સમિતિના અધ્યક્ષસ્થાનેથી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપવામાં આવી છે.
આવા રસ્તાઓ માં રાજકોટ તાલુકામાં 29, પડધરીમાં 17, લોધિકામાં 18, ગોંડલમાં 23, કોટડાસાંગાણીમાં 11, જસદણમાં 39, જેતપુરમાં 12, ધોરાજીમાં 9, જામકંડોરણામાં 13 અને ઉપલેટામાં 11 રસ્તા તૂટી ગયા છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા ગેરંટીવાળા 12 રસ્તા પણ તૂટી ગયા છે.
જ્યારે વર્ષ 2017માં બનાવેલા 27, વર્ષ 2018માં બનાવેલા 34, વર્ષ 2019માં બનાવેલા 54 અને વર્ષ 2020માં બનાવેલા 55 ગેરંટીવાળા રસ્તા તૂટી ગયા છે. રાજદીપ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 33 રસ્તામાં 142 કિમી, સ્વસ્તિક કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 24 રસ્તામાં 88 કિમી અને પવન કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવેલા 22 રસ્તામાં 77 કિમીના રસ્તામાં ખાડા જ જોવા મળે છે.
આમ રોડ કામ માં કટકી કરવામાં આવી હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
