રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. પરંતુ ગઈકાલે મોડીરાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. જેમાં ત્રિપલસવારી એક્સેસ ટર્ન લેવા જતા પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી એક્સેસમાં સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં બે યુવાને ઘટનાસ્થળે જ દમ તોડી દેતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.ગત મોડીરાત્રે રાજકોટ શહેરનાં જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ અને પિન્ટુ નામનાં બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
