
દુબઇ : દુબઇ વર્લ્ડ સુપર સીરિઝની ફાઇનલમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. એક કલાક ૪૩ મિનિટ સુધી ચાલેલી ફાઇનલમાં સિંધુનો જાપાનની અકાને યામાગુચી સામે ૨૧-૧૫, ૧૨-૨૧, ૧૯-૨૧થી પરાજય થયો હતો. પ્રથમ સેટમાં ૨૧-૧૫થી જીત મેળવ્યા બાદ એવુ લાગતુ હતું કે સિંધુ પ્રથમ વખત મેજર વર્લ્ડ ટાઇટલ જીતવામાં સફળ થશે પરંતુ યાગામુચીએ પોતાની શનાદાર રમત દાખવતા મુકાબલો ત્રીજા અને રોમાંચક સેટમાં પહોંચ્યો હતો જ્યાં યાગામુચીએ ભવ્ય જીત મેળવી હતી.
આ મુકાબલા પહેલા લીગ રાઉન્ડમાં સિંધુએ ફક્ત ૩૬ મિનિટમાં અકાને યાગામુચીને સીધા સેટમાં પરાજય આપ્યો હતો અને જેને કારણે સિંધુને આ મુકાબલામાં જીત મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. આ મેચમાં સિંધુએ શરૂઆત પણ શાનદાર કરી હતી. પ્રથમ સેટમાં એક સમયે યાગામુચી ૮-૫થી આગળ હતી પરંતુ ત્યારબાદ સિંધુએ સતત આઠ પોઇન્ટ મેળવી સ્કોર ૧૩-૮થી પોતાની તરફેણમાં કરી દીધો હતો. પોતાની આક્રમક રમતથી સિંધુએ પોતાની જાપનીઝ હરીફને સરપ્રાઇઝ આપી સેટ ૨૧-૧૫થી જીતી લીધો હતો.
બીજા સેટમાં સિંધુએ શાનદાર શરૂઆત કરતા ૫-૦ની લીડ મેળવી લીધી હતી. જોકે, યામાગુચીએ ત્યારબાદ વળતી લડત આપી સ્કોર ૮-૮ અને બરાબરી પર લાવી દીધો હતો. અહીથી યામાગુચી પોતાની લીડ જાળવી રાખવામાં સફળ રહી હતી અને તેણે ૨૧-૧૨થી સેટમાં જીત મેળવી મેચને ત્રીજા અને નિર્ણયક સેટમાં લઇ જવામાં સફળતા મેળવી હતી. ત્રીજા સેટમાં સિંધુએ ૪-૦ની લીડ મેળવી લીધી હતી પરંતુ યામાગુચીએ ૬-૬થી સ્કોરની બરાબરી કરવામાં વધુ સમય લીધો નહોતો. જોકે, સિંધુએ પણ લડત આપી ફરી એક વખત ૧૧-૮ની લીડ મેળવી લીધી હતી. અહીથી યામાગુચીએ પણ પોતાની આક્રમક રમતની મદદથી ૧૩-૧૩ની બરાબરી કરી લીધી હતી. બંને ખેલાડીઓએ મેચની અંતિમ ક્ષણોમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું જેના કારણે સ્કોર ૧૯-૧૯ની બરાબરી પર આવી ગયો હતો અને તે સમયે બંને મેચમાં જીત મેળવી શકે તેમ હતા. જોકે, યામાગુચીએ સતત બે પોઇન્ટ મેળવી સિંધુના અહી ચેમ્પિયન બનવાના સ્વપ્નને રોળી નાંખ્યું હતું. આ પહેલા ગત વર્ષે સિંધુનો સેમિફાઇનલમાં પરાજય થયો હતો.
બંને વચ્ચે આ આઠમો મુકાબલો હતો જેમાં સિંધુનો જીત-હારનો રેકોર્ડ ૫-૩ થઈ ગયો છે. ૨૦૧૩માં યામાગુચીએ જ્યારે ૨૦૧૫માં સિંધુએ જીત મેળવી હતી. ૨૧૬માં બંને બે વખત ટકરાયા હતા અને બંને વખત સિંધુએ વિજય મેળવ્યો હતો. આ વર્ષે બંને ચાર વખત ટકરાયા હતા જેમાં બંને બે-બે વખત વિજેતા થયા હતા.