મોહાલી : ભારતીય વન ડે ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માની તાબડતોડ બેવડી સદીનાં કારણે ભારતીય ટીમે બીજી વન ડે મેચમાં શ્રીલંકાની ટીમને 393 રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં રોહિત શર્માએ પોતાના કરિયરમાં ત્રીજી વખત બેવડી સદી બનાવવાનું કારનામું કરી દેખાડ્યુ છે. રોહિતે પોતાની ત્રણે બેવડી સદી ભારતીય મેદાન પર નોંધાવી છે. ધર્મશાળા વન ડેમાં ભલે ટીમ ઇંડિયા શ્રીલંકન બોલર્સ સામે નિઃસહાય નજર આવી રહી હતી, પરંતુ આ મેચમાં રોહિત અને શ્રેયસ ઐયરની ધમાકેદાર બેટિંગે શ્રીલંકન બોલર્સને વિકેટ લેવા માટે તરસાવી દીધા હતાં.
આ પહેલા શિખર ધવન શાનદાર 68 રન બનાવ્યા હતાં. જેના પછી પોતાના કરિયરની બીજી મેચ રમી રહેલ ઐયરે પણ 88 રનનું શાનદાર યોગદાન આપ્યુ હતું. શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપ સૌથી વધારે રન લૂંટાવનાર બોલર બન્યો, જેણે 10 ઓવરમાં 108 રન આપ્યા અને તે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો નહી.
આજે શ્રીલંકાએ ટોસ જીતીને વધુ એક વખત ભારતીય ટીમને બેટિંગ કરવાનો મોકો આપ્યો હતો. શ્રીલંકાની ટીમ ધર્મશળા માફક મોહાલીનાં મેદાનમાં પણ સવારની ઓસ અને નમીનો લાભ ઉઠાવવા માંગતી હતી. પરંતુ આ વખતે રોહિત અને શિખરે ધર્મશાળા જેવી ભૂલ ન કરતા સંભાળીને રમ્યા અને પ્રથમ 10 ઓવરમાં બંન્નેએ માત્ર 33 રન બનાવ્યા હતાં.
10 ઓવર બાદ જ્યારે બંન્ને ખેલાડીઓ પિચ પર સેટ થઇ ગયા તેના પછી શિખર ધવને 11મી ઓવરથી મેચનો ચાર્જ સંભાળી લીધો હતો અને લંકાની ટીમ પર આકરા પ્રહારો કર્યા હતાં. 14.3 ઓવરમાં ધવને ધનંજયની બોલ પર 2 રન બનાવીને પોતાના વનડે કરિયરની 23મી ફિફ્ટી પૂર્ણ કરી લીધી. આઉટ થતા પહેલા શિખર ધવને 68 રન બનાવ્યા હતાં. પોતાની આ ઇનિંગમાં ધવને 67 બોલનો સામનો કર્યો હતો, જેમા તેણે 9 ચોગા લગાવ્યા હતાં.
શિખર ધવનનાં આઉટ થયા બાદ શ્રેયસ ઐયર ક્રિઝ પર રોહિતનો સાથ આપવા માટે આવ્યો હતો. આ ભલે ઐયરનાં કરિયરની બીજી ઇન્ટરનેશનલ મેચ હોય પરંતુ ઐયરે જે પરિપક્વતા સાથે બેટિંગ કરી, તેને જોતા લાગ્યુ નહી કે આ યુવા ખિલાડી પોતાના કરિયારની શરૂઆત જ કરી રહ્યો છે. ઐયરે 77 બોલમાં 88 રન બનાવ્યા, જેમા 9 ચોગ્ગા અને 2 છક્કા સામેલ હતાં. ઐયરને થિસારા પરેરાએ પોતાનો શિકાર બનાવ્યો હતો.