આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઈસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ એફએસએલને મોકલવામાં આવ્યો હતો.એફએસએલ સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. હવે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે. મહત્વનું છે આપ નેતા ઈસુદાન ગઢવીને હમણાં બે દિવસ પહેલા જ જામીન મળ્યા છે.
10મી તારીખે ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપ દ્વારા પેપર લીક કૌભાંડ અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપની મહિલા કાર્યકરે ઈસુદાન ગઢવીએ દારુ પીધો હોવાનો આરોપ મૂક્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
પ્રારંભિક તપાસમાં ઈસુદાને દારુ પીધો ન હોવાનું જણાવાયું હતું પણ પોલીસે તેમના લોહીના નમૂના એફએસએલને તપાસ માટે મોકલ્યા હતા. એફએસએલના સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે ઈસુદાન ગઢવીનો દારુનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
બે દિવસ પહેલાં ગાંધીનગર ન્યાયાલયે ઈસુદાન ગઢવી સહિત આપના અન્ય નેતાઓને 12 દિવસ બાદ જામીન આપ્યા હતા. ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરવાની શરતે તેમના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.