ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સુશાસન સપ્તાહની પૂર્ણાહૂતિ કરી હતી. આ પ્રસંગે તેમણે કેટલીક યોજનાઓ ખૂલ્લી મૂકી હતી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે શહેરોની માફક ગામડામાં પણ આવાસ યોજનાઓની કામગીરી સરકાર કરી રહી છે.
રાજકોટમાં સુશાસન સપ્તાહના સમાપન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડો-અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સીએમએ મેયર બંગલા ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ કાર્યકરોને ટકોર કરતા કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છે. હાલના તબક્કે નિયંત્રણો નાખવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી.
માસ્ક અંગે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, પહેલા ભાજપનો કાર્યકર માસ્ક પહેરે, લોકોને દંડ કરતા પહેલા આપણે નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઇએ. આજે ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ.82.49. કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરવામાં આવ્યા હતાં.
તેમણે જણાવ્યું હતું કે, કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન એ કહેવત રાજકોટ શહેર અને શહેરીજનોએ સાવ સાચી પાડી છે. રાજકોટની જનતાએ તો વટ પાડી દીધો એ વાત પણ એટલી જ સાચી છે. રાજકોટનું ઋણ સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ સને 2022નાં વર્ષ માટે સ્વચ્છતા, ફાયર સેફ્ટી, ડ્રેનેજ સહિતના વિવિધ વિભાગોના કામો માટે રૂ.187 કરોડ અને શહેરી સડકોનાં કામો માટે રૂ.30 કરોડ એમ કુલ મળીને રૂ.217 કરોડની મંજૂરી આપ્યાની જાહેરાત કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી પણ ફરજ છે કે, તમારા કામો પરિપૂર્ણ કરીએ. અમો ત્યાં બેઠા છીએ અને લોકસેવાના તમામ કામો કરતા રહીશું.