ધર્મશાળા : શ્રીલંકા વિરૂદ્ધ રવિવારથી શરૂ થતી ત્રણ વન ડે મેચની સીરિઝમાં ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાન પર ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. જાધવને શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝ માટે પસંદગી કરાઇ હતી.
ઇજાગ્રસ્ત થયો જાધવ
બીસીસીઆઇએ જાહેર કરેલા નિવેદન મુજબ જાધવને શુક્રવારે ડાબા પગની માંસપેશીઓમાં ખેંચ આવી હતી. જાધવને બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. બીસીસીઆઇએ જણાવ્યું કે,”ભારતીય સીનિયર પસંદગી સમિતિના ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાન પર વોશિંગટન સુંદરને શ્રીલંકા સામેની 3 વનડેની સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.”
ધર્મશાળામાં પહેલી મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી મેચ રવિવારે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (એચપીસીએ) સ્ટેડિયમમાં રમવામાં આવશે. સુંદરે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સમાંથી મળેલી તકનો ભરપૂર ફાયદો ઉઠાવતાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.