વેકો : શુક્રવારથી શરૂ થયેલી ૧૦મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર શરૂઆત કરતા ચાર મેડલ મેળવ્યા હતા. ભારતીય મેન્સ અને વિમેન્સની ટીમે ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે રવિકુમારે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. રવિકુમારે આ માટે પોતાના સાથી શૂટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગને પરાજય આપ્યો હતો. રવિકુમારે કુલ મળીને ૨૨૫.૭ પોઇન્ટ્સ મેળવ્યા હતા. ગગન નારંગના ૯.૪ અને ૧૦.૬ની સરખામણીએ રવિકુમારે ૧૦.૮ અને ૯.૫નો સ્કોર કર્યો હતો. જોકે, આમ છતાં તેને ચીનના યિફી કા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. યિફીએ ૨૪૮.૬નો સ્કોર કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ચીનના અન્ય શૂટર બુહાન સોંગે ૨૫૦.૨ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં અન્ય એક ભારતીય શૂટર દીપક કુમારે ૧૮૫ પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં દીપકે ચોથું સ્થાન મેળવ્યું હતું જ્યારે રવિકુમાર અને ગગન નારંગે અનુક્રમે છઠ્ઠં અને સાતમું સ્થાન મેળવ્યું હતું.
અન્ય શૂટરોમાં અર્જુન બબુતાએ જુનિયર ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગત વર્ષે આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બાબુતાએ ચીનના ગોલ્ડ મેડલ વિજેતા યુકુન લીયુ કરતા ફક્ત ૦.૧ પોઇન્ટ પાછળ રહીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. યુકુને ૨૪૯.૮ના સ્કોર સાથે ગોલ્ડ અને બબુતાએ ૨૪૯.૭ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ટીમ ઇવેન્ટમાં દીપક કુમાર, રવિકુમાર અને ગગન નારંગે સંયુક્ત રીતે ૧૮૭૬.૬ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. જેમાં દીપકે ૬૨૭.૫, રવિએ ૬૨૪.૬ અને નારંગે ૬૨૪.૫નો સ્કોર કર્યો હતો. આ સ્પર્ધામાં ચીને ગોલ્ડ અને યજમાન જાપાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
મહિલાઓના વિભાગમાં અંજુમ મૌદગીલ, મેઘના સજ્જનાર અને પૂજા ઘાટકરની જોડીએ ૧૨૪૭ પોઇન્ટ્સ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. જેમાં અંજુમે ૪૧૭.૫, મેઘનાએ ૪૧૫.૯ અને પૂજાએ ૪૧૩.૩નો સ્કોર કર્યો હતો. આ સ્પર્ધામાં ચીને ગોલ્ડ મેડલ અને સિંગાપુરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ચેમ્પિયનશિપનું આયોજન જાપાનના વાકો શહેરના અસાકા શૂટિંગ રેન્જમાં કરવામાં આવ્યું છે. ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક શૂટિંગ સ્પર્ધાઓ માટે પણ આ જ શૂટિંગ રેન્જનો ઉપયોગ થવાનો છે.