ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના સંગઠનને વેગીલું બનાવવા માટે જાતિ અને જ્ઞાતિના સમીકરમો પર કોંગ્રેસે દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે વિધાનસભા વાઈઝ, વોર્ડ વાઈઝ રિપોર્ટ તૈયાર કરવા માંડ્યા છે અને આ રિપોર્ટ અંગે અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન મીટીંગો ચાલી રહી છે.
પ્રમુખની સાથો સાથ વધુ બે કાર્યકારી પ્રમુખ બનાવવાનો વિષય રજૂ કરવામાં આવ્યો છે. આ વિષયને લઈ કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. હાલ પાટીદાર સમાજમાંથી હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખ છે અને તેમની સાથે બીજા બે કાર્યકારી પ્રમુખ બનાવવા કે કેમ તે અંગે કોંગ્રેસના નેતાઓ વલોણું કરી રહ્યા છે.
વધુ કાર્યકારી પ્રમુખ માટે કોંગ્રેસમાં દલિત કે ક્ષત્રિય સમાજના નામો અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તો ત્રીજા પ્રમુખ પદ માટે માઈનોરીટી સમાજના નામની વિચારણા કરવામાં આવી રહી છે. માઈનોરીટીમાંથી નવસારી જિલ્લાના નિરીક્ષક કદીર પીરઝાદાના નામની વિચારણા કરવામાં આવી રહી છે. કદીર પીરઝાદા માટે પ્રદેશ કોંગ્રેસમાં રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.
કદીર પીરઝાદા ઉપરાંત દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું નામ પણ ચર્ચામાં છે. ગ્યાસુદ્દીન શેખ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા અને તેમણે કોંગ્રેસ વિવિધ રીતે સંગઠન અને ચૂંટણીલક્ષી ભૂમિકા નિભાવી છે.
મહત્વની વાત એ છે કે કાર્યકારી પ્રમુખ માટે કોંગ્રેસ 55 કે 60 વર્ષ કરતાં ઓછી ઉંમરના નેતાને તક આપવાની બાબત પર ભાર મૂકી રહી છે. ઉંમરના ક્રાઈટેરીયામાં કદીર પીરઝાદા. ગ્યાસુદ્દીન શેખ કે વઝીર ખાન પઠાણ ફીટ બેસે છે કેેમ તે અંગે હવે કોંગ્રેસ મોવડી મંડળ નિર્ણય કરશે એમ મનાય છે.