પટના : કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતી ગણતરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. જોકે બિહારની રાજ્ય સરકારે પોતાની રીતે જ જાતિ આધારીત વસતી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. જ્યારે જાતિ આધારીત વસતી ગણતરી પાછળ જે ખર્ચ થશે તે પણ રાજ્ય સરકારે ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર બિહારમાં સર્વપક્ષીય બેઠક પણ યોજવાની તૈયારી કરી રહી છે.
આ અંગેની જાહેરાત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતે કરી છે. નીતીશ કુમારે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું હતું કે અમે રાજ્યના અન્ય પક્ષોની સાથે વાતચીત કરી રહ્યા છીએ, આગામી ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. આ સમયે બધા પક્ષો સંમતિ દર્શાવશે તેવી આશા છે.
નીતિશ કુમારે જણાવ્યું કે, જાતિ આધારીત વસતી ગણતરી કેવી રીતે કરવી અને ક્યા માધ્યમથી કરાવવી વગેરેની તૈયારી કરી લેવામાં આવશે. રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચો ઉઠાવવા તૈયાર છે. વસતી ગણતરી સમયે લોકો પેટા જાતિ પણ જણાવશે એવામાં સબ કાસ્ટ અને કાસ્ટ બન્નેની માહિતી એકત્ર કરવામાં આવશે. લોકોને જાતિ આધારીત વસતી ગણતરી માટે જાગૃત પણ કરવામાં આવશે.
સૌના અભિપ્રાય બાદ જે સહમતી બનશે તેના પર સરકાર વિચારણા કરશે. ઉલ્લેખનિય છે છે કે લોકસભામાં હાલમાં જ સાંસદોએ પ્રશ્ન કર્યો હતો કે શું કેન્દ્ર સરકાર જાતિ આધારીત વસતી ગણતરી કરવાની તરફેણમાં છે. જેના જવાબમાં સરકારે હાલ એવુ કોઇ આયોજન ન હોવાનું જણાવ્યું હતું.