રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે, 06 ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાતે આવ્યા છે. તે ઉપરાંત રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓએ પોતાના સમકક્ષ ડો. એસ જયશંકર અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકો શરૂ થઈ ગઈ છે.
આજે નવી દિલ્હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. તે હેઠળ ભારત-રશિયા રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી 6,01,427 જેટલી 7.63×39 મિમી અસોલ્ટ રાઈફલ AK-203ની ખરીદી માટે કરાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત 2021-2031થી સૈન્ય-તકનીકી સહયોગ માટે કાર્યક્રમ જેવી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઉભરતી ભૂ-રાજકીય પરિસ્થિતિઓમાં આજે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન ફરી એક વખત આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ મહત્વની પૃષ્ટિ કરે છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ સહયોગ આપણી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. મને આશા છે કે, ભારત-રશિયાની ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરશે અને ક્ષેત્રોને સ્થિરતા પ્રદાન કરશે.
બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ જણાવ્યું કે, આપણા દેશોના સંબંધ માટે આ સમયે સૈન્ય અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારત-રશિયાનો સહયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણ છે.