ગુજરાત પણ ઉડતા પંજાબના પગલે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો નશાને લગતા નાના-મોટા જથ્થા પકડાતા હતા. જોકે, પાછલા કેટલાક મહિનાઓથી કરોડો રૂપિયાનો માલ ઝડપાઈ રહ્યો છે. પોલીસે દેવગઢ બારીયામાં ગાંજાનું ખેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ગાંજાના ત્રણ ખેતરોમાં દરોડા પાડી કુલ 1.14 કરોડના જથ્થા સહિત બે માલિકની ધરપકડ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામેથી દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડી હતી. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના 1875 નંગ છોડવા મળી આવ્યા હતા. જેની આશરે કિંમત રૂ 1 કરોડ 14 લાખ જેટલી થાય છે. પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ખેતર માલિકોને પણ ઝડપી પાડ્યાં છે.
એકાદ બે માસ અગાઉ જિલ્લાના અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે એક વાર ફરીથી ગાંજાની ખેતી ઝડપાતા દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.