ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામા આપ્યા પછી નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી ર૦૦ર થી ર૦૦૭ અને ર૦૦૭ થી ર૦૦૯ સુધી ધારાસભ્ય રહ્યા છે. ર૦૦૯ ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. ર૦૦૯ થી ર૦૧૪ સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. અત્યાર સુધી કુલ ૮ વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, જેમાં પ વખત વિજેતા બન્યા છે. ૭ વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે, જ્યારે વર્ષ ર૦૧ર અને ર૦૧૭ માં પાવીજેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતાં. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જયંતિ રાઠવા સામે ૪ર૭૩ મતોથી હાર્યા હતાં, જ્યારે ર૦૧૭ માં ૩૦પર મતોથી ભાજપના જયંતિ રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ ૧૯૮પ થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.