હવે ભારત ટેલિકોમની દુનિયામાં રોકેટ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. વર્તમાનમાં દેશમાં 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી થઈ રહી છે. તે ઉપરાંત સરકારે 6Gને લઈને પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. આ અંગે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારની ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતુ. સાથે જ એમ પણ કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા હશે.
કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતમાં 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત તે છે કે, ભારત પોતે જ બધા જ સોફ્ટવેર બનાવવાનું છે અને પછી સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 6G ટેક્નોલોજી માટે દરેક જરૂરી મંજૂરી અગાઉથી જ આપી દેવાયેલી છે તેવામાં દેશના વૈજ્ઞાનિકો હવે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.
6Gનો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ 5Gને લઈ પહેલેથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આગામી વર્ષના બીજા ત્રિમાસિક સુધીમાં 5G ટેક્નોલોજીની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. તે અંગે ટ્રાઈ પાસેથી પણ સૂચનો માગવામાં આવેલા છે જે આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં સરકારને મળી જશે.