નવી દિલ્હી: દેશમાં પ્રતિદિવસ મોંઘવારીમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગરીબો માટે જીવન જીવવું દોહિલું બની રહ્યું છે. તેવામાં ઓક્ટોબરમાં ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) વધીને 12.54 ટકા થઇ ગયો છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તે 10.66 ટકા હતો. સરકારી આંકડા મુજબ મોંઘવારી 5 મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારા પાછળ ઈંધણ અને વીજળીના વધતા ભાવ જવાબદાર છે. આ સાથે ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં વધારો પણ ફુગાવાની આ અસર માટે જવાબદાર છે.
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ તે કિંમતો દર્શાવે છે જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે.
આ કિંમતો જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સામાન્ય ગ્રાહકોને ઓફર કરવામાં આવતી કિંમતો પર આધારિત છે. CPI પર આધારિત ફુગાવાના દરને છૂટક ફુગાવો પણ કહેવામાં આવે છે.
શુક્રવારે છૂટક ફુગાવાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવાનો દર 4.35 ટકાથી વધીને 4.48 ટકા થઇ ગયો છે. જોકે, આ આંકડો આરબીઆઈના 2.6 ટકાના ફુગાવાના દરના અંદાજની અંદર છે.
સરકાર દ્વારા આપેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવ (WPI) 10.6 ટકાથી વધીને 12.54 ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ મોંઘવારી દર પણ 1.14 ટકાથી વધીને 3.06 ટકા થયો છે.
શાકભાજીનો જથ્થાબંધ ભાવ સૂચકાંક -32.45 ટકાથી વધીને -18.49 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો WPI 11.41 ટકાથી વધીને 12.04 ટકા થયો છે. સૌથી વધુ વધારો ઈંધણ અને વીજળીના જથ્થાબંધ મોંઘવારી દરમાં થયો છે. તે 24.81 ટકાથી વધીને 37.18 ટકાના સ્તરે પહોંચી ગયો છે.
નિષ્ણાતો અનુસાર ઈંધણ અને વીજળીના વધતા ભાવથી દેશમાં મોંઘવારી વધી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરીને તેની કિંમતોમાં ઘટાડો કર્યો છે. તેથી નવેમ્બર મહિનાના મોંઘવારીના આંકડાઓમાં થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.