અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનન અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલે માવઠાઓ અને ઠંડી અંગે જાણકારી આપી છે. તેમને આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમના અનુસાર આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં હવાનું પ્રેશર સર્જાવવાના કારણે ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં માવઠાઓ થઈ શકે છે.
અંબાલાલ પટેલ અનુસાર, બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. 16 નવેમ્બર પછી બંગાળનાં ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠા થાય તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
પટેલે આગાહી કરી છે કે, ઉત્તર- મધ્ય ગુજરાત ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિત પંચમહાલનાં કેટલાંક વિસ્તારોમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાઇ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી 18થી 21 નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રહેલી વિશિષ્ટ સ્થિતિ બંગાળનાં ઉપસાગરમાં લો પ્રેશરનું સર્જન કરશે. જેના કારણે ગુજરાતના હવામાન પ્રભાવિત થઇ શકે છે.
તે ઉપરાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડીના ચમકારાને લઈને જણાવ્યું કે, આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારે ઠંડી પડશે જ્યારે અંતનાં દિવસોમાં એટલે કે 22 ડિસેમ્બર બાદ દેશનાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે. જેથી સમગ્ર રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં જ હાડ થીજવતી ઠંડી પડી શકે છે.