અમદાવાદ : ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની સ્ટેટ લેવલની ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની ઝીલ દેસાઈએ વિજેતા બની ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઝીલ દેસાઈએ ફાઈનલમાં રુજુ ચૌહાણને 6-0થી હરાવી હતી. રુજુ ચૌહાણ પણ અમદાવાદની જ ખેલાડી છે. જોકે તે હારતા રનર્સ અપ રહી હતી. ઝીલ દેસાઈએ તાજેતરમાં જ પોતાની ફર્સ્ટ ITF વુમેન્સ ટુર્નામેન્ટમાં(પુણે ઓપન 2017માં) ભાગ લીધો હતો. જેમાં તે સેમિફાઈનલ સુધી પહોંચી હતી.
100થી વધુ ટાઇટલ જીતી, જગ્યા ખૂટતા માળિયામાં મુકે છે ટ્રોફી…
ઝીલ દેસાઈએ રાષ્ટ્રિય કક્ષાએ એટલા ટાઈટલ જીત્યા કે તેના માતા-પિતા હવે ગણવાનું જ છોડી દીધું છે અને ઘરમાં ટ્રોફીઓ મુકવાની જગ્યા પણ ખૂટી પડી છે. ઝીલના પિતાએ જણાવ્યું હતું કે,‘ઘરમાં ટ્રોફી મુકવાની જગ્યા ખૂટતા હવે માળિયામાં મુકવી પડે છે.’ 17 વર્ષીય ઝીલ દેસાઈએ જૂનિયર સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના નામે 12 ટાઈટલ્સ કર્યા છે. પિતા મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ઝીલનું સ્વપ્ન હતું કે તે તમામ ગ્રાન્ડસ્લેમ રમે. 11 વર્ષની મેહનત બાદ તેણે આ વર્ષે જ 3 ગ્રાન્ડસ્લેમ રમી પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.’ ઝીલ દેસાઈ ગત મહિને વિમ્બલ્ડનજૂનિયરમાં રમી પ્રી-ક્વાર્ટર સુધી પહોંચી હતી. 65 વર્ષ બાદ કોઈ ભારતીય વિમ્બલડનની પ્રિ-ક્વાર્ટરમાં પહોંચ્યું હતું.
આ છે ઝીલ દેસાઈની સિદ્ધીઓ
ઝીલ દેસાઈએ માત્ર 9 વર્ષની વયે જ પોતાનો પ્રથમ નેશનલ ટાઈટલ મેળવ્યો હતો. તે અંડર 14, અંડર 16, અંડર 18માં ટોપ રેન્ક પ્લેયર રહી છે.