અબુધાબી : અબુધાબીના યાસ મરિના રેસિંગ ટ્રેક ખાતે યોજાયેલી આ સિઝનની અંતિમ રેસમાં લુઇસ હેમિલ્ટન અને સેબાસ્ટિયન વેટ્ટલને પાછળ રાખી ફિનલેન્ડ અને મર્સિડીઝના ડ્રાઇવર વાલ્ટેરી બોટ્ટાસ ચેમ્પિયન બન્યો છે. વાલ્ટેરી બોટ્ટાસે આ રેસ એક કલાક, ૩૪ મિનિટ અને ૧૪.૦૬૨ સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે આ સિઝનના ચેમ્પિયન અને બોટ્ટાસના સાથી ડ્રાઇવર લુઇસ હેમિલ્ટને એક કલાક, ૩૪ મિનિટ અને ૧૭.૯૬૧ સેકન્ડમાં તથા જર્મની અને ફેરારીના સેબાસ્ટિયન વેટ્ટલે એક કલાક, ૩૪ મિનિટ અને ૩૩.૩૯૨ સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી.
વેટ્ટલના સાથી ડ્રાઇવર કિમિ રાઇકોનેન એક કલાક, ૩૪ મિનિટ અને ૫૯.૪૪૮ સેકન્ડ સાથે ચોથા તથા નેધરલેન્ડના યુવા ડ્રાઇવર અને આ સિઝનમાં બે રેસ જીતી ચૂકેલા મેક્સ વેર્સ્ટાપેને એક કલાક, ૩૫ મિનિટ અને ૦૦.૩૩૧ સેકન્ડમાં રેસ પૂરી કરી પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે વાલ્ટેરી બોટ્ટાસે સિઝનની ત્રીજી રેસ પોતાના નામે કરી હતી.
રેસમાં જીત મેળવ્યા બાદ બોટ્ટાસે જણાવ્યું હતું કે સિઝનના બીજા ભાગમાં કપરી શરૂઆત કર્યા બાદ આ રેસમાં જીત મેળવવી મારા માટે અત્યંત જરૂરી હતી. સિઝનનું સમાપન જીત સાથે કરવાથી હું અત્યંત ખુશ છું. લ્યુઇસ હેમિલ્ટનને ચેમ્પિયન બનવા બદલ અને સેબાસ્ટિયન વેટ્ટલને ઉપવિજેતા બનવા બદલ અભિનંદન આપુ છું. જોકે, અહી ચેમ્પિયન બન્યા બાદ હું અત્યંત સારૂ અનવુભવુ છું. અમે ફિનલેન્ડનાં લોકો જીત્યા બાદ લાગણીશીલ થઇ જતા નથી અને તેનો મતલબ એમ પણ નથી કે અમે લાગણીશીલ નથી. હું આજે અત્યંત ખુશ છું. આ રેસ દરમિયાન મને ઘણો સાથ મળ્યો હતો જેનું હું વર્ણન કરી શકતો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે હું અત્યંત ખુશ છું.